ધોળકા તાલુકાના ત્રાંસદ ગામે RO પ્લાન્ટનો પ્રારંભ કરાયો
ગુજરાતના શિક્ષણ મંત્રીના હસ્તે ત્રાંસદમાં સામુદાયિક આર.ઓ. પ્લાન્ટનો પ્રારંભ
કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેની કોર્પોરેટ સામાજીક જવાબદારીના ભાગ તરીકે સંપૂર્ણ ઓટોમેટિક આર.ઓ. પ્લાન્ટનુ યોગદાન આપ્યું
અમદાવાદ: ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના ત્રાંસદ ગામે આર.ઓ.(રિવર્સ ઓસ્મોસિસ) પ્લાન્ટનો પ્રારંભ કરાયો છે.
આ આર.ઓ. પ્લાન્ટ ફાર્મા ક્ષેત્રની ટોચની કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેની સીએસઆર વીંગ-ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે તેમની કોર્પોરેટ સામાજીક જવાબદારી (સીએસઆર) ના ભાગ તરીકે ગામને અર્પણ કર્યો છે. આ આરઓ પ્લાન્ટ 20લીટર પીવાનુ પાણી રૂ. 5ના મામૂલી દરે પૂરૂ પાડશે.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કે જે ગુજરાત વિધાનસભામાં ધોળકા મત વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરે છે, તેમના હસ્તે કેડીલાના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેડીલા ફાર્માસ્યુટિકલ્સની આ પહેલને તેમણે બિરદાવી હતી અને લોકોને આ આર.ઓ. પ્લાન્ટનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે તેમણે લોકોને પાણીનો ઉપયોગ સમજપૂર્વક કરવા અને પાણીનો બગાડ અટકાવવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ, આઈએએસ અને ગુજરાત વહિવટી સેવામાંથી રિધ્ધિ શુકલએ આ આર.ઓ. પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને અનેક પરિવારોને નજીવા દરે પાણી ઉપલબ્ધ કરવાના કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રયાસને બિરદાવ્યો હતો.
ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપાનેરીયાએ જણાવ્યું હતું કે “ એક જવાબદાર કંપની તરીકે કેડીલા ફાર્માસ્યુટિકલ્સ તેના પ્લાન્ટની નજીકમાં નિયમિત ધોરણે સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરે છે. સ્થાનિક સમુદાય અમારી સફળતામાં મહત્વની ભૂમિકા બજાવે છે. અને સીએસઆર એ તેમના પ્રદાનને બિરદાવવાનો એક નાનો સરખો પ્રયાસ છે.”