ધોળકા તાલુકાના વૌઠા ગામે ૮ નવેમ્બરથી પાંચ દિવસ માટે વૌઠાનો મેળો યોજાશે
ઐતિહાસિક વૌઠાના મેળાના સુચારા આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ઘરાવતા ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અમદાવાદની કલેક્ટર ઓફિસમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વૌઠાના મેળાના આયોજનને લઇને તેની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધકારીશ્રીઓ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિક્રાંત પાંડે તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં આગામી ૮મી નવેમ્બરથી યોજાનારા વૌઠાનો ઐતિહાસિક મેળો ભવ્ય રીતે યોજાય તે પ્રકારનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હાલ વૌઠાના મેળાને લઇને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ, ફાયર સ્ટેશન, પશુ દવાખાનું સહિતની સુવિધા પણ વૌઠાના મેળામાં ઊભી કરવામાં આવશે. આ બેઠકમાં વૌઠાના મેળા દરમિયાન સ્વચ્છતા અભિયાનને લઇને પણ પ્રજાજનોને કેવી રીતે જાગૃત કરવા તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વૌઠાના મેળાને લઇને કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આગામી ૮મી નવેમ્બરથી શરૂ થનાર વૌઠાને મેળો પાંચ દિવસ સુધી ચાલશે. વૌઠા ગામે સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ સાત નદીનો સંગમ થાય છે. આ સ્થળે પાંચ દિવસ સુધી લાખોની સંખ્યામાં લોકો સ્થાન કરી ધન્યતા અનુભવતા હોય છે.