Western Times News

Gujarati News

ધોળકા મામલતદાર ૨૫ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: લાંચ મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો તરફથી એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં આણંદના એક એએસઆઈને ૫૦ લાખની લાંચ લેતા પકડી લેવામાં આવ્યા હતા. હવે આ કડીમાં એસીબી તરફથી ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે

અને એક મામલતદારને રૂપિયા ૨૫ લાખના લાંચ કેસમાં પકડી લેવામાં આવ્યો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ એસપી રહી ચૂક્યા છે, તેમજ તેમણે એસીબીમાં પણ કામ કર્યું છે.

એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં આઈજીપી કક્ષાના અધિકારી છે. ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરની ઓફિસમાંથી રૂપિયા ૨૦ લાખ કબજે કરવામાં આવ્યા છે. આ કેસમાં વચેટીયા પાસેથી પણ પાંચ લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને અન્ય આરોપી જગદીશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા ૭૫ લાખની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદીની ધોલેરા હાઈવે પાસે રૂપગઢમાં જમીન આવેલી છે. આ જમીન સંપાદન થવાની હતી પરંતુ ફરિયાદીના દાદા અને પિતા ખેડૂત હતા પરંતુ તેમનું નામ ખેડૂતમાંથી નીકળી ગયું હોવાથી તેમણે ખેડૂત બનવા અરજી કરી હતી. આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી.

આ પ્રક્રિયા માટે મામલતદાર તરફથી ૭૫ લાખની લાંચ માંગવામાં આવી હતી. અંતે આ માટે કુલ ૨૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ફરિયાદીએ ૨૦ લાખ રૂપિયા હાર્દિક ડામોરની ઓફિસમાં મૂકી દીધા હતા તેમજ પાંચ લાખ રૂપિયા જગદીશ પરમારને આપ્યા હતા. એવી પણ માહિતી મળી છે કે આરોપી જગદીશ પરમાર બે વખત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. આ કેસમાં તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.