ધોળીડુંગરી ચેકપોસ્ટ ખાતે ઇકો કારની અડફેટે હોમગાર્ડ જવાનનું મોત
અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં મહીસાગર જીલ્લાની હદ આવેલી ધોળીડુંગરી ચેકપોસ્ટ ખાતે ફરજ દરમિયાન મંગળવારે રાત્રે ઈકો કારની અડફેટે એક હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારના રોજ રાત્રીના સમયે સાઠંબા પોલીસ મથકના ધોળીડુંગરી ચેક પોસ્ટ ખાતે ૪૭ વર્ષિય હોમગાર્ડ જવાન દિનેશભાઇ ખાંનાભાઇ પરમાર ફરજ પર હતા.
તે દરમિયાન એક મારૂતિ ઇકો ગાડી નં. જી.જે – ૦૬ – એલ.એસ – ૯૦૫૩ પુર ઝડપે અને બેદરકારીથી ગફલતભરી રીતે હંકારીને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજ્યું હતું. ઇકો ગાડીનો ચાલક તેમજ અન્ય સવાર લોકો ટક્કર મારી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા.
સાઠંબા ના રહીશ દિનેશભાઇ ખાંનાભાઇ પરમાર એક સેવાભાવી વ્યક્તિ હતા સાઠંબા ગામમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની દરેક સમાજ તથા દરેક ધર્મના લોકોમાં તેમની લોકચાહના હતી.અકસ્માતમાં તેમના મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામમાં શોક છવાઇ ગયો હતો, તેમજ તેમની અંતિમયાત્રામાં ગામ આખું હિબકે ચડયું હતું. અને ખુબ મોટી સંખ્યામાં લોકો અંતેષ્ઠીમાં જોડાયા હતા.
હોમગાર્ડ જવાન સ્વ. દિનેશભાઇ. ખાંનાભાઇ પરમાર તેમની પાછળ તેમના પિતા, પત્ની, તેમજ ત્રણ સંતાનોને વિલાપ કરતાં છોડી ગયા, સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઇ એન.સી.ચૌહાણ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ડી.ડી.પટેલ, પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનોએ સલામી આપી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ગામના સરપંચ ઋતુરાજસિંહ સોલંકી, મુકુંદભાઇ પટેલ, ૧૦૮ના ડાૅ. દિનદયાલ યાદવ તેમજ ગામના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી…. દિલીપ પુરોહિત. બાયડ *.