બે બહેનપણીઓએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુંં
પાટણ, હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
આ અંગે હારીજ પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ )ની ૨૧ વર્ષની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવની અને મુબારકપુરા ગામે રહેતી તેની ૨૩ વર્ષની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ ગત તા.૦૧-૦૬-૨૦૨૧ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરમાંથી નીકળ્યા હતા.
બંને બહેનપણીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ચિંતિત થઇને શોધખોળ શરૂ કરી હતી. પરિવારે શોધખોળમાં કરતાં જે હકીકતમાં સામે આવ્યું કે, બંને સહેલીઓએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.