ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૨૮ માર્ચથી શરૂ થશે
અમદાવાદ, એક તરફ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શાળાઓમાં પણ અત્યાર સુધી ૩૦થી વધુ કેસ નોંધાયા છે. જેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી રહી છે.
રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેવામાં હવે ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક મોટો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પાછી ઠેલી છે. ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. હવે ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચના બદલે ૨૮ માર્ચે શરૂ થશે.
જ્યારે ૯ અને ૧૧ની પરીક્ષા ૩૦ માર્ચના બદલે ૧૨ એપ્રિલે શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે, રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં હવે પછી લેવાનારી ધોરણ ૯થી ૧૨ની બીજી પ્રિલીમ પરીક્ષા તથા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
૯થી ૧૨ ધોરણની પરીક્ષા લંબાઈ હોવાના કારણે ૩૨ લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વધુ સમય મળતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પણ સમય મળી રહેશે. હવે તેમને તૈયારીઓ માટે બે સપ્તાહ જેટલો વધારાનો સમય મળશે.
નોંધનીય છે કે ઓમિક્રોનના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા ૮૭ કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં મંગળવારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં ૩૩ કેસ નોંધાયા હતા.
ઓમિક્રોનને લઇને દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે, ઓમિક્રોનને લઇને બેદરકારી સમગ્ર દુનિયાને ભારે પડી શકે છે. તેમના મત મુજબ, ઓમિક્રોન વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.SSS