ધો.૧૦-૧૨માં ગેરરીતિ કરતાં ઝડપાયેલા ૪૦૦ વિદ્યાર્થીની વિગતો બોર્ડે મગાવી
સ્કૂલો એપ્રિલથી શરૂ કરવાની જાહેરાત અદ્ધરતાલ
દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને સીસીટીવી ફૂટેજ અને ગેરરીતિમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની વિગતો મોકલી આપવા તાકીદ
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં જુદા જુદા જિલ્લાઓમાં સીસી ટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન ૪૦૦થી વધારે ગેરરીતિના કેસો બહાર આવ્યા હતા. બોર્ડ દ્વારા જિલ્લાઓ પાસેથી પણ સીસી ટીવી ફૂટેજ મગાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ ગેરરીતિમાં પકડાયા હોય તેના સીસીટીવી ખાસ મગાવવામાં આવ્યા છે.
ધો.૧૦ અને ૧૨ની રેગ્યુલર પરીક્ષા દરમિયાન જુદા જુદા કેન્દ્રો પરથી ગેરરીતિમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાની સામે સીસી ટીવી ફૂટેજની ચકાસણીમાં ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. તાજેતરમાં બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી હતી કે, માર્ચ ૨૦૨૪માં લેવાયેલી પરીક્ષાઓમાં જિલ્લા કક્ષાએ સમિતિએ સીસી ટીવી ચકાસણી કર્યા બાદ જે વિદ્યાર્થીઓ ગેરરીતિઓ કરતાં ઝડપાયા હતા તેની યાદી મગાવવામાં આવી છે.
બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી દરમિયાન ગેરરીતિમાં ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓની અલગ ઓળખ કરીને સીસી ટીવી ફૂટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા નવેસરથી સીસી ટીવી ફૂટેજની ચકાસણી કરીને જે તે વિદ્યાર્થી પર કરવામાં આવેલા ગેરરીતિના કેસ યોગ્ય છે કે નહી તેની પુનઃચકાસણી કરવામાં આવશે. ધો.૧૦ અને ૧૨માં મળી કુલ ૪૦૦ ગેરરીતિના કેસો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૨૬, ધો.૧૦માં ૧૭૦ અને ધો.૧૨ સાયન્સમાં ૧૪ કેસો નોંધાયા હતા.
હવે આગામી દિવસોમાં આ તમામ ફૂટેજની ચકાસમી કર્યા બાદ રૂબરૂ સૂનાવણી કર્યા પછી વિદ્યાર્થીઓની સજા નક્કી કરવામાં આવશે. રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડની જેમ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ સ્કૂલોમાં પણ એપ્રિલ માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આ જાહેરાત કર્યા પછી હજુ સુધી તેનો અમલ થયો નથી. આગામી બે વર્ષ સુધી પણ આ પ્રકારે સ્કૂલો વહેલી શરૂ કરવાના નિર્ણયનો અમલ થઇ શકે તેમ નથી.
વર્ષ ૨૦૨૧-૨૨માં એવી શૈક્ષણિક સત્ર ૨૦મી એપ્રિલથી શરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે શૈક્ષણિક સત્ર ખોરવાયું હોવાથી જોગવાઇનો અમલ થઇ શકયો નહોતો. જેના કારણે વર્ષ ૨૦૨૩-૨૪માં નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરાશે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ જે તે વર્ષે પણ શૈક્ષણિક સત્ર જૂનમાં જ શરૂ કરવામાં આવ્યું હતુ.ss1