ધો. ૯માં ભણતો છોકરો 25000 રૂ. લઈ છોકરી સાથે ભાગ્યો

વડોદરા: પોતાના જીવનના ર્નિણય જાતે લઈ શકે તેવી ઉંમરે હજુ પહોંચ્યા નહોતા ત્યાં, નવમા ધોરણમાં ભણતા છોકરા અને છોકરીએ ઘર અને પરિવારથી સેંકડો કિમી દૂર યુગલની જેમ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. છોકરો અને છોકરી એકબીજાથી મોહિત થયા હોવાથી અને એકબીજાને મિસ કરી રહ્યા હોવાથી આ કઠોર પગલું ભર્યું હતું. છાણીના રહેવાસી તેવા આ છોકરો અને છોકરી રવિવારે વાપીમાંથી મળી આવ્યા હતા.
તેઓ ૧૩ દિવસ પહેલા પોતાના ઘરેથી ૩૦ હજાર રૂપિયાની રોકડ રકમ લઈને ભાગી ગયા હતા. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે, તેમણે પોલીસને જણાવ્યું કે ગયા વર્ષના માર્ચ મહિનાથી શાળાઓ બંધ હોવાથી તેઓ એકબીજાને સ્વતંત્રતાથી મળી શક્યા નહોતા અને તેથી જ ૨૮મી ડિસેમ્બરે સવારે ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું.
છોકરો તેના ઘરના મંદિરમાંથી ૨૫ હજાર, જ્યારે છોકરીએ ૫ હજાર રૂપિયા લીધા હતા. તેઓ રંગોલી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તેમને ટ્રેન ન મળતાં તેઓ સયાજીગંજ ગયા હતા અને વાપી માટે ખાનગી ટેક્સી લીધી હતી. છોકરાનો પરિવાર ઘણીવાર દમણ જતો હોવાથી તે આ ક્ષેત્ર વિશે અવગત હતો’,
તેમ એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. વાપી પહોંચ્યા બાદ, તેમણે મહિને ૫૦૦ રૂપિયાના ભાડા પેટે એક રુમ લીધો હતો. આ દરમિયાન, બંનેના માતા-પિતાએ તેમની શોધખોળ શરુ કરી હતી અને જ્યારે તેઓ નિષ્ફળ ગયા, ત્યારે છોકરા સામે છાણી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. થોડા જ દિવસમાં રુપિયા ખતમ થઈ જશે તેમ સમજીને છોકરો કપડાની એક દુકાનમાં નોકરી લઈ લીધી હતી.
તેને રોજના ૩૬૬ રુપિયા મળતા હતા. થોડા દિવસ પહેલા છોકરાએ તેના મિત્રનો સંપર્ક કર્યો હતો અને પોલીસને આ અંગે જાણ થઈ હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વિલાન્સનો ઉપયોગ કરીને અમે તેને વાપીમાંથી શોધી કાઢ્યા હતા’, તેમ છાણી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર આરએસ દોડિયાએ કહ્યું હતું.