ધો.૯ થી ૧રના ૬૦૦ વર્ગો બંધ થવા તથા ૧૧૦૦ શિક્ષકો બેકાર થવાની ભીતિ

Files Photo
(પ્રતિનિધિ ) અમદાવાદ: રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિના કારણે રાજ્યમાં ધો.૯ થી ૧રના ૬૦૦ જેટલા વર્ગો બંધ થવાની શક્યતાઓ છે. તેની સાથે જ ૧૧૦૦ જેટલા શિક્ષકો પણ નોકરી વગરના થવાની શક્યતાઓ છે. જેથી હાલમાં વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થગિત રાખવા તેમજ શહેરી વિસ્તારમાં એક વર્ગમાં રપ વિદ્યાર્થી અને ગ્રામ્યમાં ૧૮ વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરવા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
ધો.૯ થી ૧રમાં વર્ગ ઘટાડવાના પગલે સંચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિના પગલે ધો.૮ની પ્રાથમિક સ્કુલોમાંથી પ૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કુલ લિવીંગ સર્ટીફિકેટ કઢાવ્યા નથી. જેની પાછળના કારણોમાં શાળાઓ બંધ, સ્ટાફની ગેરહાજરી, કોરોનાનો ડર તથા બાકી ફી ભરવાની વ્યવસ્થા ન થઈ હોવાના છે.