ધો. ૯-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરવામાં આવ્યો
ગાંધીનગર: કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯થી ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે.
પરીક્ષા પદ્ધતિમાં પણ મોટાપાયે ફેરફાર કરાયો છે. બોર્ડના ર્નિણય મુજબ ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ૩૦ ટકા કર્યું છે. જે અગાઉ ૨૦ ટકા હતું. ધોરણ-૧૨ સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં ૫૦ ટકા એમસીક્યુ અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે.
ધોરણ-૯થી ધોરણ-૧૨માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.
આ ફેરફાર પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ છે. આ તમામ ફેરફાર અંગેની જાણ રાજ્યના શિક્ષણાધિકારીઓને કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પણ આ વિગતો મુકવામાં આવી છે.
વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે. એટલું જ નહીં, ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જાેકે સ્કૂલો ક્યારે શરૂ થશે તે બાબતે હજી સુધી ગુજરાત સરકારે કોઈ ર્નિણય લીધો નથી. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. ૯ અને ધો. ૧૧ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૧મેથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.