ધ્રાંગધ્રામાં મિત્રની બહેનનાં લગ્નમાં હાજરી આપવા નીકળેલા બે મિત્રોના મોત
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મિત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એક ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહિલુહાણ હાલતમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત ઝોન તરીકે પ્રચલિત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અવાર-નવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક વાહનચાલકોનાં અકાળે મોત નિપજવાની ઘટના સામે આવે છે. સોમવારે મોડી સાંજે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ધ્રાંગધ્રાનાં રાજગઢ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં વિરમગામનાં અલ્પેશ નાગજીભાઇ પરમાર અને ભાવેશભાઇ દુલારા નામનાં બે જીગરજાન મિત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રમેશ મુલજીભાઇ મકવાણાને લોહિલુહાણ હાલતમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાનાં રાજગઢ પાસે આ ગોઝારા અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.
આ ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતનાં બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.
ધ્રાંગધ્રાનાં રાજગઢ પાસે અકસ્માતમાં બે મિત્રોના મોતની ઘટનામાં મોતને ભેટેલો અલ્પેશ નાગજીભાઇ પરમાર મૃતક અલ્પેશ પરમાર વિરમગામ તાલુકા સેવા સદનમાં પટ્ટાવાળો છે અને એના મા-બાપનો એ એકનો એક જ પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.