ધ્રોલમાં તસ્કરોનો તરખાટ: એગ્રોની દુકાનના તાળા તૂટ્યા

પ્રતિકાત્મક
દુકાનમાં રોકડ કે કિંમતી સામાન ન હોવાથી તસ્કરોને ખાલી હાથ પાછું ફરવું પડ્યુંઃ શહેરમાં બાઈક ચોર ગેંગ પણ સક્રિય
ધ્રોલ, ધ્રોલ શહેરના ગૌરવપંથ પર આવેલા તંબોલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સુરભી એગ્રો સીડની દુકાનના શટર તોડીને દુકાનમાં લુંટ કરવાના ઈરાદે ઘુસેલ તેમજ તેની બાજુની દુકાનમાં પણ શટર તોડવામાં આવ્યું હતું જે ગોડાઉન હોય તેમાંથી કોઈ વસ્તુ લીધેલ ન હતી તેમજ એગ્રોની દુકાનના માલીક તરફથી કોઈપણ પ્રકારની રોકડ રકમ રાખવામાં નહી આવતા તસ્કરોને ખાલી હાથે જવાનો વારો આવ્યો હતો.
ધ્રોલ ખાતેની આ દુકાન અગાઉ તા.ર૦.ર.ર૧ના રોજ તોડવામાં આવી હતી ત્યારે બાજુમાં આવેલ ખેતીવાડી બેંકના પણ તાળા તોડીને રોકડ રકમની લુંટ કરી હતી. આ ચોરીના બનાવ પછી સુરભી એગ્રોના માલીક હેમરાજભાઈ પટેલ, સીસીટીવી કેમેરા તથા ઈલેકટ્રીક લાઈટની વ્યવસ્થા ગોઠવેલ હતી.
પરંતુ આ ચાલાક તસ્કરોએ લાઈટ તથા સીસીટીવીના વાયરો કાપી નાખીને કામગીરી હાથ ધરી હતી. ધ્રોલ ખાતે છેલ્લા ઘણાં જ સમયથી તસ્કરોનો તરખાટ ચાલુ થયો છે. શહેરમાંથી મોટર સાઈકલો તથા સાઈકલોની ઉઠાંતરીના બનાવો પણ બનતા રહે છે.
ગઈકાલે આજ રોડ પર આવેલ પટેલ સમાજના ગેટ પાસે રાખવામાં આવેલ મોટર સાઈકલની ઉઠાંતરી કરીને ડુપ્લીકેટ ચાવીથી મોટર સાઈકલ ચાલુ ન થતાં ઉઠાવગીરે મોટર સાઈકલને ડાયરેકટ કરીને ચાલુ કરવાના પ્રયત્નો કરેલા પરંતુ બાજુના વેપારીનંુ ધ્યાન જતાં આ તસ્કર મોટર સાઈકલ છોડીને નાસી ગયો હતો.
આ બનાવ અંગે સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ તંત્ર તરફથી આ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. ધ્રોલ ખાતે મોટર સાઈકલ ઉઠાંતરી કરનાર ગેંગ સક્રિય થયેલ હોઈ તેમજ તસ્કરો તરફથી દુકાનોના શટર તોડીને લુંટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર, તરફથી તાકિદે યોગ્ય બંદોબસ્ત કરીને આવા તસ્કરોને પકડે તેવી લોકોની માંગણી છે.