ધ્રોલ પાલિકામાં જૂના કામોને નવા દર્શાવી કૌભાંડ કરાયું?

રૂ.પ.૮૦ લાખની ગેરરીતિ આચરાઈ હોવાની પાલિકાના સભ્ય કલ્પેશ હડીયલનો આક્ષેપ
ધ્રોલ, ધ્રોલ પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને સંબંધિત કન્સલ્ટન્ટે વિકાસના કામોમાં જૂના કામોને નવામાં દર્શાવી રૂ.પ.૮૦ લાખની ગેરરીતિ આચરી હોવાની ખુદ પાલિકા સદસ્ય કલ્પેશ હડીયલે ફરિયાદ કરી તપાસ કરવા માગ કરી છે.
ફરિયાદી સભ્યનો આક્ષેપ છે કે ધ્રોલ નગરપાલિકા દ્વારા ટેન્ડર આઈડી ૪૯૯પ૯ (કુલ રકમ ૧,૩૮,૩રપ૧૧)ના કામમાં અગાઉ થઈ ગયેલા હયાત કામને ટેન્ડરમાં નવા કામ તરીકે સમાવેશ કરાયો છે જેનો અંદાજિત ખર્ચ રૂ.પ.૮૦ લાખ દર્શાવાયો છે. આ ટેન્ડર તા.ર૮.ર.રરના રોજ ખોલવામાં આવ્યું ત્યારે આ વાતની હકીકત બહાર આવી છે.
ખરેખર સાઈટ પર હયાત હોય અને નવા કામ તરીકે દર્શાવી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કન્સલ્ટન્ટ ડીઝાઈન પોઈન્ટ સાથે મળી સરકાર સામે છેતરપીંડી કરી હોવાનું જણાય છે.
પોતાની ફરીયાદ બાબતે વિપક્ષી સદસ્ય કલ્પેશ હડીયલે કહ્યું કે આ બાબતે યોગ્ય તપાસ અને ફરીયાદ નહીં કરવામાં આવે તો તેઓ હાઈકોર્ટનું શરણું લેશે. જયારે પાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમારે કહ્યું કે, ફરીયાદની યોગ્ય તપાસ કરીને નિર્ણય કરાશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ૧પમાં નાણા પંચની જે તે સમયે આવેલી ગ્રાન્ટમાંથી ભુગર્ભ ગટરનું કામ તે વોર્ડના સદસ્યની માગ મુજબ કરાયું હતું. હાલની ભૂગર્ભ ગટરની પાઈપલાઈન જે તે આસામીઓએ પોતાના ખર્ચે ફીટ કરાવી છે. પાલિકાની તેમાં કોઈ ભૂમિકા નથી.