ધ કપિલ શર્મા શો નવા રંગરુપ સાથે ટૂંકમાં આવશે
મુંબઈ: ધ કપિલ શર્મા શો ટેલિવિઝનના પોપ્યુલર શો પૈકીનો એક છે. ફેબ્રુઆરી ૨૦૨૧ના બીજા અઠવાડિયામાં ધ કપિલ શર્મા શો પર પડદો પડી ગયો હતો. હવે આ શો કમબેક માટે તૈયાર છે. એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે શોના કમબેક અંગે વાત કરી હતી. કૃષ્ણા આ શોમાં સપનાના રોલમાં જાેવા મળે છે. કૃષ્ણાના જણાવ્યા અનુસાર ધ કપિલ શર્મા શોની ટીમ મે મહિનામાં નવા એપિસોડ સાથે પાછી આવશે.
સાથે જ તેણે જણાવ્યું શોમાં કેટલાક ફેરફારો પણ જાેવા મળશે. આ શો ટીવી પર મે મહિનામાં ફરી આવી રહ્યો છે. હજી અમે તારીખ નક્કી નથી કરી. હા, આ વખતે પણ શોમાં કંઈક નવું જાેવા મળશે. સેટ પણ બદલાઈ જશે. શોનો સેટ નવો હશે સાથે જ કેટલાક નવા ઉમેરા પણ થશે.
આ વિશેના ગુડ ન્યૂઝ હું તમને જલદી જ આપીશ, તેમ કૃષ્ણા અભિષેકે કહ્યું. કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે શું તે ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનો રોલ ભજવવાનું મિસ કરી રહ્યો છે? ત્યારે તેણે કહ્યું, હું શોને ખૂબ યાદ કરું છું કારણકે અમે સેટ પર ખૂબ ધમાલ-મસ્તી કરતા હતા અને આખો દિવસ કેવી રીતે પૂરો થઈ જતો હતો ખબર જ નહોતી પડતી. હું અને કપિલ ફોન પર ખૂબ ચર્ચા કરીએ છીએ કારણકે અમારા બંનેની ઈચ્છા છે કે શો જલદીથી જલદી પાછો આવે.
કપિલ પણ ખૂબ ઉત્સાહિત છે અને તૈયારી કરી રહ્યો છે. અમે નવી સીઝનમાં ઘણી નવી વસ્તુઓ કરવાના છીએ. કપિલના રમૂજી સ્વભાવના વખાણ કરતાં કૃષ્ણાએ જણાવ્યું, કપિલ ખૂબ ક્રિએટિવ વ્યક્તિ છે. રમૂજની બાબતે તેનું મગજ ખૂબ જ ઝડપથી કામ કરે છે. તેની પાસે તીક્ષ્ણ બુદ્ધિ છે.
શોની આખી ટીમ સાથે બેસશે અને નક્કી કરશે કે આગળ શું નવું કરી શકાય. અમે સૌ શો પાછો આવે તેને લઈને ઉત્સુક છીએ. કપિલ શર્માએ શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં જ કોમેડી કિંગે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રાઈટર-એક્ટરની શોધ માટે જાહેરાત આપી હતી. કપિલે લખ્યું, મારી પસંદગી થઈ ગઈ છે. હવે તમારો વારો છે.
વધુ જાણવા માટે લિંક પર ક્લિક કરો. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે દીકરાને જન્મ આપતાં શો બંધ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ કપિલ અને ગિન્ની બીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. કપિલ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માગતો હોવાથી તે શોમાંથી બ્રેક લેવા ઈચ્છતો હતો.