નંદીગ્રામથી હારી ગયા બાદ પણ મમતા બેનર્જી મુખ્યમંત્રી બની શકે છે
કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત રાજ્યની સત્તા સંભાળશે. જાે કે, મમતા બેનર્જી પોતે નંદીગ્રામની બેઠક ગુમાવી ચૂક્યા છે. તેમના ખાસ રહી ચૂકેલા સુવેન્દુ અધિકારીએ કાંટાની ટક્કરમાં તેમને નાના માર્જિનથી હરાવી દીધા છે. સુવેન્દુની જીત બાદ મમતા બેનર્જીએ હવે કોર્ટનો રસ્તો પસંદ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે ટીએમસી સુપ્રીમો ભલે ચૂંટણી હારી ગયા હોય, પરંતુ તેમને મુખ્ય પ્રધાન બનવાની દિશામાં કોઈ મુશ્કેલી રહેશે નહી. ભારતીય બંધારણનાં આર્ટિકલ ૧૬૪ હેઠળ તેઓ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. આર્ટિકલ ૧૬૪(૪) કહે છે કે, ‘કોઈ મંત્રી જે સતત છ મહિના સુધી રાજ્યનાં વિધાનમંડળનાં સભ્ય ન હોય, તેમને પદ છોડવું પડશે.’
જેનો અર્થ છે કે, મમતા બેનર્જીએ છ મહિનાની અંદર કોઇ વિધાનસભા બેઠક જીતવી પડશે. જણાવી દઇએ કે, ૨૦૧૧માં મમતા બેનર્જીએ જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લીધા ત્યારે તે સંસદસભ્ય હતા. તેમણે વિધાનસભાની ચૂંટણી લડી નહોતી. થોડા મહિના પછી, તે ભવાનીપુરથી ચૂંટાયા હતા.
કોંગ્રેસનાં નેતા અને કાયદાકીય નિષ્ણાત અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે, ‘મમતા બેનર્જીનાં મુખ્યમંત્રી બનવા અને છ મહિનાની અંદર ચૂંટાઇને આવા અંગે કોઈએ પણ કાયદેસર અને નૈતિક રીતે વાંધો ઉઠાવવો ન જાેઈએ. જાે કોઈ તેને મુદ્દો બનાવે છે, તો તે ભારતીય બંધારણ વિશેની તેમની જાણકારીનાં અભાવને પ્રતિબિંબિત કરશે. નોંધપાત્ર વાત એ છે કે, બંગાળમાં ટીએમસી સતત ત્રીજી વખત સરકાર બનાવશે.
આ જીતથી મમતા બેનર્જી રાષ્ટ્રીય સ્તરે બિન-ભાજપ, બિન-કોંગ્રેસ જૂથમાં સ્થાપિત થયા છે. સંપૂર્ણ ચૂંટણીમાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપનાં રાષ્ટ્રીય નેતાઓને પડકારતા જાેવા મળ્યા હતા. મમતા બેનર્જીએ પોતાને ‘બંગાળની પુત્રી’ તરીકે ઓળખાવી અને એન્ટી ઇન્કમ્બન્સીને ઘટાડવામાં સફળ રહ્યા હતા.