નંદીગ્રામમાં ભારે રસાકસી બાદ મમતા બેનર્જીની હાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Mamta-1024x639.jpg)
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ૨૦૦થી વધુ સીટો સાથે સત્તામાં વાપસી કરી રહી છે. પરંતુ બધાની નજર નંદીગ્રામ સીટ પર હતી. અહીંથી મમતા બેનર્જી અને સુભેંદુ અધિકારી મેદાનમાં હતા.
પશ્ચિમ બંગાળની ચુંટણી પરિણામો મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ માટે ઉત્સાહજનક છે, પરંતું મમતાની સીટ નંદીગ્રામ પર ખરા અર્થમાં “ખેલા” થઇ ગયો છે,
મમતા બેનર્જીને તેમના જ જુના સાથી અને બિજેપી ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ પરાજીત કર્યા છે, શરૂઆતની મતગણતરીમાં મમતા બેનર્જી આગળ નિકળતા જોવા મળ્યા પરંતું બાદમાં સુવેન્દુએ અંતે મમતાને 1622 મતથી હરાવ્યા, આ અંગે મમતાએ આરોપ લગાવ્યો કે ચુટણી પરિણામોની ઘોષણા બાદ હેરફેર થઇ છે, તે અંગે તેમણે કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે.
નંદીગ્રામના ચૂંટણી પરિણામો બહાર આવ્યા પછી, મમતા બેનર્જીએ મીડિયા સમક્ષ તેમની હાર સ્વીકારી. જ્યારે તેમને હાર અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું- ‘ભૂલી જાઓ નંદીગ્રામમાં શું થયું. નંદિગ્રામ વિશે ચિંતા કરશો નહીં.
નંદીગ્રામની જનતાએ જે પણ આદેશ આપ્યો છે તે હું સ્વીકારું છું. મને વાંધો નથી મેં નંદિગ્રામમાં સંઘર્ષ કર્યો કારણ કે ત્યાં હું આંદોલન લડી. અમે 221 થી વધુ બેઠકો જીતી હતી અને ભાજપ ચૂંટણી હારી ગઈ છે.