નકલી આધારકાર્ડ પધરાવી ગઠિયો ફોટોગ્રાફરનો કેમેરા લઇ ગયો
અમદાવાદ, શહેરમાં ગઠિયા નવી નવી તરકીબ અજમાવી લોકો સાથે ઠગાઇ કરી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો નારણપુરા વિસ્તારમા બન્યો છે. ગઠિયો ફોટોગ્રાફર પાસેથી ઘરે સીમંતનો પ્રસંગ હોવાથી કેમેરા ભાડે જાેઇે છે એમ કહી ડુપ્લિકેટ આધારકાર્ડ પધરાવી ૬૫ હજારનો કેમેરો લઇ રફુચક્કર થઇ ગયો છે.
ઉસ્માનપુરાની કર્ણાવતી સોસાયટીમાં રહેતા મૌલિક શાહે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મૌલિક શુભલક્ષ્મી કોમ્પ્લેક્સમાં સ્વાતિ ક્રીએશન નામની ઓફિસ દ્વારા ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે અને ફોટો ગ્રીન નામની એપ્લિકેશનમાં કેમેરા ભાડે આપવાનું રજિસ્ટર કરાવ્યુ છે, જેના આધારે મૌલિક કેમેરા ભાડે આપે છે.
થોડા દિવસ પહેલાં મૌલિક ઓફિસ પર હાજર હતા ત્યારે તેમના પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે મૌલિકને કહ્યું કે મારા ઘરમાં સીમંતનો પ્રસંગ હોવાથી ફોટા પાડવા માટે કેમેરાની જરૂર છે તો તમે ભાડે આપો છો. પોન કરનારે આમ કહેતા મૌલિક કહ્યુ કે હા, આપીએ છીએ. તમે એક આઇડેન્ટિટી પ્રૂફ લઇ ઓફિસ આવી જાઓ. ત્યારબાદ ગઠિયો બપોરના બારેક વાગ્યાની આસપાસ તેનું આધારકાર્ડ લઇ મૌલિકની ઓફિસ પર આવ્યો હતો.
ગઠિયાએ મૌલિકને પોતાનું નામ ગોવિંદભાઇ શાહ જણાવ્યુ હતું. ગઠિયાએ મૌલિક પાસે તેનું આધારકાર્ડ જમા કરાવ્યુ હતું, જેથી મૌલિકે ૬૫ હજારનો કેમેરા એક દિવસના ૧૦૦૦ લેખે ભાડે ગઠિયાને આપ્યો હતો, જાેકે ગઠિયાએ મૌલિકને હજાર રૂપિયા આપવાના બદલે ૯૦૦ રૂપિયા આપ્યા હતા અને ૧૦૦ રૂપિયા પછી આપી દેવાનું કહી કેમેરા લઇ ગયો હતો.
સાંજના સમયે મૌલિકે ગઠિયાને ફોન કરતાં તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવ્યો હતો, જેથી મૌલિકને શંકા જતાં મૌલિક ગઠિયાએ આપેલા આધારકાર્ડમાં જણાવેલ સરનામા પર તપાસ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા ગઠિયો મળી આવ્યો ન હતો.
મૌલિકે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીનો સંપર્ક કર્યો હતો. ચેરમેને મૌલિકને કહ્યું હતું કે આ ફોટોવાળી વ્યક્તિ અહીં રહેતી નથી અને અમે તેને ઓળખતા પણ નથી. ત્યારબાદ મૌલિક સાથે છેતરપિંડી થઇ હોવાી તેમણે નારણપુરા પોલીસને જાણ કર્યા બાદ ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.