નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને જેલની સજા થશે
૨૬ જૂનથી નવો ટેલિકોમ કાયદો લાગુ પડશે
(એજન્સી)નવી દિલ્હી, નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને જેલની સજાની જોગવાઈ સહિત એવા ઘણા ફેરફાર નવા ટેલિકોમ કાયદામાં કરવામાં આવ્યા છે જેથી ટેલિફોન ગ્રાહકોના હિતોની યોગ્ય રીતે જાળવણી થઈ શકે. આ નવો ટેલિકોમ કાયદો ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
સરકાર હવે આ નવો કાયદો ૨૬ જૂનથી લાગુ કરવા જઈ રહી છે. નવા કાયદાના અમલ પછી બ્રિટિશ યુગના બે જૂના નિયમો- ટેલિગ્રાફ એક્ટ (૧૮૮૫) અને વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ (૧૯૩૩) તબક્કાવાર નાબૂદ કરવામાં આવશે. નવો ટેલિકોમ કાયદો આ બંને જૂના કાયદાનું સ્થાન લેશે. જો કે, હાલમાં સરકારે આ ટેલિકોમ એક્ટની કેટલીક કલમો જ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
મોબાઈલ અને બ્રોડબેન્ડ યુઝર્સ વગેરેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. એ સાથે જ સ્પેક્ટ્રમ, સેટેલાઇટ સેવા વગેરેની ફાળવણી સંબંધિત જોગવાઈઓ હાલ અમલમાં આવશે નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા ગેજેટ નોટિફિકેશન મુજબ, નવો ટેલિકોમ એક્ટ ૨૦૨૩ આગામી બુધવારને ૨૬ જૂનથી લાગુ કરવામાં આવશે. આ કાયદાની કલમ ૧, ૨, ૧૦ થી ૩૦, ૪૨ થી ૪૪, ૪૬, ૪૭, ૫૦ થી ૫૮, ૬૧ અને ૬૨ ૨૬ જૂનથી લાગુ કરવામાં આવશે. નવા ટેલિકોમ કાયદાનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી તમામ જૂની જોગવાઈઓ અને નિયમો અમલમાં રહેશે.
ટેલિકોમ સચિવ નીરજ મિત્તલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા ટેલિકોમ એક્ટની ગેજેટ જાહેરાત શેર કરી છે અને કહ્યું છે કે નવો નિયમ ૧૫૦ વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે.નવા ટેલિકોમ કાયદામાં મોબાઈલ યુઝર્સ માટે એવી ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે જેથી યુઝરના આઈડી અને સીમકાર્ડનો દુરુપયોગ ન થઈ શકે.