નકલી ચલણ બનાવી ડીટેઈન વાહન છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ
ગોમતીપુરમાંથી બોગસ એજન્ટ સહિત બે શખ્સોની ધરપકડ |
(પ્રતિનિધિ) અમદાવાદ : ગોમતીપુરમાં આરટીઓ મેમોના દંડની નકલી રીસીપ્ટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ષડયંત્ર બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા આરટીઓ એજન્ટ ઉપરાંત તેની સાથેના સંભવિત શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એક રીક્ષા ડીટેઈન કર્યા બાદ આરટીઓમાં રીક્ષા માલિક મેમોની રકમ ભરીને પોલીસ સ્ટેશને રીક્ષા છોડાવવા પરત આવ્યો ત્યારે મેમોના દંડની રિસીપ્ટ સ્કેન કરતા આ રીસીપ્ટ સ્કેન થઈ શકી નહોતી.
જેથી શંકાના આધારે તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં હાલમાં બાપુનગરના એક આરટીઓ એજન્ટનું નામ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં ટ્રાફીક પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન એક ઓટો રીક્ષાને ડિટેઈન કરવામાં આવી હતી જેનો માલિકને આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો ઓટો રીક્ષા માલિકે કેટલાંક દિવસ બાદ મેમો ભર્યા અંગેની રીસીપ્ટ પોલીસ સ્ટેશનમાં બતાવીને રીક્ષા છોડાવી ગયો હતો.
બીજી તરફ ટ્રાફીક શાખાના કેટલાંક અધિકારીઓને મેમોની રકમની નકલી રીસીપ્ટ આપી વાહનચાલકો સાથે છેતરપીંડી કરાતી હોવાના ષડયંત્રની બાતમી મળી હતી જેથી ટ્રાફીક શાખાની એક ટીમ દ્વારા ઓટો રીક્ષાના માલીક પાસેથી દંડની રકમ ભર્યાની રીસીપ્ટ તથા અન્ય દસ્તાવેજા સ્કેન કરવામાં આવતા તે ડિટેક્ટ થઈ શકી નહતી,
જેના પગલે ઓટો રીક્ષા ચાલકની પુછપરછ કરતાં બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડના સુદરમનગરના મકાનમાં રહેતા અને લાયસન્સ ન હોવા છતાં પોતાને આરટીઓ એજન્ટ તરીકે ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા ગુલઝાર એહમદ ઉર્ફે સમીર ઉર્ફે ભૈયા અબ્દુલ હમીદ અંસારીનું નામ ખુલ્યુ હતું. વધુ તપાસમાં ગુલઝાર અહેમદ ઘણાં વાહન માલિકોને મેમોના બદલામાં નકલી રીસીપ્ટ બનાવીને ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
ચોંકાવનારી માહીતી મળતા પોલીસ પણ સક્રીય થઈ ગઈ છે અને ગુલઝારને ઝડપી લેવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક માહીતી અનુસાર ગુલઝારને ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ટંડેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતુ ંકે આ રીક્ષા ચાલકની પુછતરછ કરવામાં આવી હતી અને એના આધારે તપાસ કરવામાં આવતા કૌભાંડના તાર ગુલઝાર સુધી પહોંચ્યા હતા જાકે બંનેને હાલમાં ઝડપી લેવાયા છે અને તેમની પુછપરછમાં વધુ વિગતો બહાર આવવાની સભાવના છે.
રીક્ષા ચાલકે પોતે પ્રથમ વખત આવી રીસીપ્ટ બનાવી હોવાનું રટણ કીર રહયો છે,
જાકે પોલીસ તેની તપાસ ચલાવી રહી છે જયારે ગુલઝાર આવા જ ધંધામાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ છે અને થોડા સમય અગાઉ જ બહાર આવ્યો છે. આરટીઓના મેમોના કૌભાંડનું ષડયંત્ર બહાર આવતા આ પ્રવૃતિમાં ઘણા અન્ય લોકો પણ પકડાવાની સંભાવના છે બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઉપરાંત આરટીઓના ઉચ્ચ અધિકારીઓે પણ કાર્યવાહી હાથ ધરી છે.