નકલી ડીએસપી બનીને મહિલાએ યુવકને નોકરીની લાલચ આપી ૧૩ લાખ ખંખેરી લીધા
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને એસબીઆઈમાં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે આર.એફ.ઓની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ૧૩ લાખની ઠગાઇ કરવામાં આવી છે. આ છેતરપિંડી બારડોલીની એક મહિલાએ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બારડોલીની આ મહિલાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. આ મહિલાએ ભૂતકાળમાં પણ નકલી નાયબ કલેકટર બની બિલ્ડર પાસેથી ૧ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા.
ડેડીયાપાડા ખાતે રહેતા અને સાગબારા ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈને નકલી ડીએસપી બનીને બારડોલીની મહિલાએ રૂપિયા ૧૩ લાખ રોકડા લઈ છેતરપિંડી કરી છે.
જંગલ ખાતામાં આર.એફ.ઓની નોકરી આપવાના વાયદા કરી રૂપિયા ખંખેરી લેતા મામલો ડેડીયાપાડા પોલિસ સ્ટેશને પહોચ્યો છે.
પોલીસે કૃતિક ચૌધરીની ફરિયાદ નોંધીને નકલી ડીએસપીને એક્સયુવી વૈભવી કારની સાથે પોલીસે ડ્રેસ ઉપરાંત પોલીસ નામનું બોર્ડ કબજે કર્યું છે. જેની તપાસ ચાલુ કરી છે. નકલી ડી.એસ.પી મહિલાનું પુરું નામ નેહા ધર્મેશ પટેલ છે. તે ૧૦૩ બાબેન બંગલો તાલુકો બારડોલી જિલો સુરતની રહેવાસી છે.
આ નકલી મહિલા ડીએસપીએ કતારગામમાં એક બિલ્ડર સાથે પણ છેતરપિંડી કરી છે. જેનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ૧ કરોડની એક બિલ્ડર સાથે છેતરીપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા જે પોલીસ નાયબ કલેક્ટર જેવા ઉંચા હોદ્દાનો રૂવાબ છાંટીને લોકો સાથે છેતરીપિંડી કરતી હતી. આ મહિલા પોતે મુખ્યમંત્રીના પત્ની સાથે પણ સારા સબંધ હોવાનું ફરિયાદી કૃતિક ચૌધરીના પરિવારની સાથે વાતો કરતી હતી.
આ બધી વાતોથી પરિવાર પ્રભાવિત થઈને આર.એફ.ઓની નોકરી મેળવવા માટે ૧૩ લાખ રૂપિયા પણ આપી દીધા હતા. જાેકે, પાછળથી પરિવારને આ મહિલા નકલી ડી.એસ.પી છે તેવી શંકા ગઇ હતી. જે બાદ આ અંગે ડેડીયાપાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ છટકું ગોઠવીને ડેડીયાપાડા પોલીસે આ મહિલાને પકડી પાડી હતી. હાલ તેનો કોરોના રિપોર્ટ કઢાવીને અટકાયત કરી છે. જાેકે, આ મહિલા એ ગાંધીનગરમાં મોટા અધિકારી સાથે મિટિંગ પણ કરાવી હતી. આ મહિલા રોજ અલગ અલગ જગ્યાએ તપાસ માટે કૃતિકને પણ સાથે લઇ જતી હતી.
જ્યાં કૃતિકએ પોલીસનો ડ્રેસ અને પોલીસ લખેલી નેમપ્લેટ અને પોલીસની ટોપી જાેઈને માની લીધું હતું કે, ખરેખર આ મહિલા એસપી છે. જે બાદ બીજે દિવસે તેમના સબંધી વિપુલ ચૌધરી એન મિત્ર મોહનભાઈ અને રજનીભાઈએ તેમના મોબાઈલમાં કૃતિકને પેપર કટિંગ બતાવ્યુ હતુ. જેમાં મહિલાએ નાયબ કલેકટરની ઓળખ આપી એક બિલ્ડર સાથે છેતરપિંડી કરી છે ત્યારે કૃતિકને ખબર પડી કે, આ નકલી ડીએસપી છે.