નકલી દસ્તાવેજાે પર ડોકટરે મિલ્કત લેવાની ના પાડતાં હોસ્પીટલમાં તોડફોડ કરી લુંટ કરી
ડોકટરને ઢોર માર માર્યોઃ હોસ્પીટલના સીસીટીવી,ડીવીઆર મોબાઈલ ફોન લઈ છ શખ્સો ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદમાં જમીન માફીયાઓ દ્વારા મૂળ માલિકોની જાણ બહાર જમીનના નકલી દસ્તાવેજાે ઉભા કરી તે દબાવવાના કે વેચી મારવાના જબરદસ્ત મોટાપાયે કૌભાંડ ચાલી રહયા છે. ભૂમાફીયાઓ પોતાની ચોરી પકડાઈ જતા કયારેક હિંસક પણ બની જતા હોવાના દાખલા ભૂતકાળમાં નોંધાઈ ચુકયા છે અને આવા કિસ્સા હાલમાં પણ નોંધાઈ રહયા છે. તાજેતરમાં જ ખોખરામાં એક ડોકટર દંપતી સાથે આવી ઠગાઈ આચરવાનો પ્રયત્ન થયો હતો.
જેમાં એક શખ્સે તેમને મિલ્કત વેચીને રૂપિયા ગણી લીધા બાદ બીજી મિલ્કત પણ વેચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રૂપિયા આપે એ પહેલાં ડોકટર દંપનીએ મૂળ માલિકનો સંપર્ક કરતા શખ્સે નકલી દસ્તાવેજાે બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું
જેથી તેમણે રૂપિયા આપવાનો ઈન્કાર કરતા આ ભૂમાફીયાએ હોસ્પીટલમાં ઘૂસીને તોડફોડ કરીને ડોકટરને પણ ઢોરમાર માર્યો હતો ઉપરાંત મોબાઈલ, સીસીટીવી સહીત ર૬ હજારની લુંટ પણ ચલાવી હતી.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ક્રિપાલીબેન રાવળ ફાર્માસીસ્ટ છે અને પતિ હિતેશભાઈ રાવળ ડોકટર છે વર્ષ ર૦૧૯માં હિતેશભાઈ તથા ક્રિપાલીબેન સંતોષસિંહ ક્ષત્રિય (આરતીનગર, ખોખરા) તથા જીતેન્દ્રસિંહ મહિપાલસિંહ રાજપુત (રાજેશ્વરી પાર્ક, અમરાઈવાડી)ના સંપર્કમાં આવ્યા હતા આ બંને રાજેશ્વરી સોસાયટી, સીટીએમ ચાર રસ્તા નજીક આવેલી તેમની મિલકત હિતેશભાઈ તથા ક્રિપાલીબેનને રૂપિયા પ૬ લાખમાં વેચી હતી જયાં ડો. હિતેશભાઈએ દેવસ્યમ નામની બાળકોની હોસ્પીટલ શરૂ કરી હતી.
આ દરમિયાન નજીકમાં જ આવેલી વધુ એક મિલકત પણ ર૪ લાખ રૂપિયામાં લેવાની વાત તેમની વચ્ચે થઈ હતી. જાેકે સંતોષસિંહે એક મહિનામાં તેના દસ્તાવેજાે આપવાની વાત કરી બાદમાં તે વાતને છ મહીના ખેંચાઈ ગયા હતા જે દરમિયાન ડો. તથા તેમના પત્ની મિલ્કતના મૂળ માલિક ચંદ્રિકાબેન શર્માના સંપર્કમાં આવતા તેમણે આવો કોઈ દસ્તાવેજ બનાવી આપ્યાનો ઈન્કાર કરતાં ડો. દંપતીના હોશ ઉડી ગયા હતા.
આ અંગે તેમણે સંતોષસિંહને પૂછતાં ઉશ્કેરાયેલા સંતોષે હું દસ્તાવેજ કરીને લાવ્યો છું એ સાચા છે એમાં સહી કરીને બાકીના ર૪ લાખ રૂપિયા આપી દો.” તેવી ધમકીઓ આપી હતી જાેકે તેમને સહી કરી નહતી. જેના પગલે સંતોષસિંહ તેમને જાેઈ લેવાની ધમકીઓ આપી જતો રહયો હતો.
બાદમાં ગુરૂવારે અચાનક જ સંતોષ પોતાના સાગરીતો સૂરજ ચૌહાણ તથા અન્ય ચાર શખ્સો સાથે દેવસ્યમ હોસ્પીટલમાં આવી ચડયો હતો ડોકટરને તેમની કેબીનમાં ઘુસી માર માર્યો હતો. ઉપરાંત હોસ્પીટલની લાઈટો બંધ કરી સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.
હોસ્પીટલના દર્દીઓ વેન્ટીલેટર હોવાની પણ તેમણે દરકાર કરી નહતી જેથી ડોકટરે કાલાવાલા કર્યા હતા પરંતુ સંતોષ અને તેના સાગરીતોએ અમને અમારા રૂપિયા આપી દો નહીતર હોસ્પીટલ ખાલી કરો તેમ કહયું હતું અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
પતિને છોડાવવા ક્રિપાલીબેન વચ્ચે પડતાં તેમને પણ ગાળો બોલવામાં આવી હતી તેમણે પોલીસને ફોન કરતા સૂરજે તેમનો મોબાઈલ ફોન ખેંચી લીધો હતો દરમિયાન તેમણે સ્ટાફના મોબાઈલ પરથી પોલીસને જાણ કરતાં સંતોષ, સૂરજ અને તેના સાગરીતો હોસ્પીટલના સીસીટીવી, ડીવીઆર તથા ક્રિપાલીબેનનો મોબાઈલ ફોન લુંટીને ભાગી ગયા હતા. જેની ફરીયાદ ક્રિપાલીબેને ખોખરા પોલીસમાં નોંધાવતા પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પીટલમાં જ અરાજકતાના દ્રશ્યો સર્જાતા દર્દી તથા તેમના સગા પણ ગભરાઈ ગયા હતા. સમગ્ર હોસ્પીટલમાં ઉહાપોહ કરીને ભાગી ગયેલા લુખ્ખા તત્વોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.