નકલી પોલીસની લુંટારૂ ટોળકીએ વહેપારીનું કરેલું અપહરણ
કાંકરિયા રેલવે યાર્ડ નજીકની ઘટના |
ક્રાઈમબ્રાંચના અધિકારીઓ હોવાનું જણાવી વહેપારીને કારમાં ઉઠાવી ગયા બાદ ઢોરમાર મારી એટીએમમાંથી રૂપિયા ઉપાડી લીધા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટ કરતી ટોળકીઓનો આંતક વધી રહયો છે છેલ્લા કેટલાક દિવસથી નકલી પોલીસ બની નાગરિકો પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે આવી ઘટનાઓ સામે શહેરભરનું પોલીસતંત્ર હાઈ એલર્ટ પર છે અને આરોપીઓને શોધી કાઢવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે.
આ દરમિયાનમાં શહેરના મણિનગર વિસ્તારમાં ગઈકાલે બપોરે પસાર થતાં એક વહેપારીને ક્રાઈમબ્રાંચના અધિકારીઓની ઓળખ આપી બે લુંટારુઓએ કારમાં જ અપહરણ કરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવી ઢોરમાર માર્યાં બાદ તેની પાસેનું એટીએમ કાર્ડ લઈ રૂ.૪૦ હજારની લુંટ કરી હતી અને ત્યારબાદ મારી નાંખવાની ધમકી આપી છોડી મુકતા સનસનાટી મચી જવા પામી છે.
આ અંગે ગભરાયેલા વહેપારીએ મોડી રાત્રે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવતા તાત્કાલિક હરકતમાં આવેલા પોલીસ અધિકારીઓએ વોચ ગોઠવી કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસે નાગરિકોને લુંટવા માટે ઉભેલા એક શખ્સને ઝડપી લીધો છે જયારે અન્ય શખ્સો ફરાર થઈ ગયા હતાં. પકડાયેલા શખ્સની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટની ઘટનાઓ વચ્ચે પોલીસતંત્રને એલર્ટ કરી દેવાયું છે રોજ નવી તરકીબો અજમાવી નાગરિકોને લુંટવાની ઘટનાથી અધિકારીઓ ચોંકી ઉઠયા છે. ખાસ કરીને નકલી પોલીસ બનીને નાગરિકોને લુંટવાની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ચોકીએ નોંધાઈ રહી છે આ પરિસ્થિતિ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
શહેરના મણિનગર વિસ્તારમાં કોસ્ટી સોસાયટીમાં રહેતા કશીશ છગનભાઈ કોસ્ટી નામનો યુવાન વહેપારી શાહીબાગ નજીક આવેલા તાવડીપુરામાં ડાયનું કારખાનું ચલાવે છે અને નિત્યક્રમ મુજબ તે ગઈકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે ઘરેથી પોતાની કાર લઈ કારખાને જવા નીકળ્યો હતો કાંકરિયા રેલવે યાર્ડ નજીક અચાનક જ તેના મોબાઈલ પર રીંગ વાગતા તેણે પોતાની કાર સાઈડમાં ઉભી રાખી હતી અને ફોન પર વાત કરતો હતો
આ દરમિયાનમાં પાછળથી બે બાઈક ઉપર સવાર ત્રણથી ચાર શખ્સો તેની કાર આગળ આવી ઉભા રહયા હતા જેમાંથી એક શખ્સે બાઈકમાંથી નીચે ઉતરી કાચ ખખડાવ્યો હતો અને કશીશને ધમકાવવા લાગ્યો હતો.
કાર નજીક આવેલા શખ્સોએ ક્રાઈમબ્રાંચમાં હોવાનું જણાવી કશીશને ધમકી આપવા લાગ્યા હતા અને કહ્યું હતું કે તુ આ વિસ્તારમાં ખરાબ ધંધા કરવા માટે અહી ઉભો છે તેથી તને ક્રાઈમબ્રાંચ લઈ જવો પડશે આવું કહી એક શખ્સે કારનો દરવાજા ખોલી તેમાં બેસી ગયો હતો અને ગાડીને ક્રાઈમબ્રાંચની કચેરીએ લઈ જવા જણાવ્યું હતું જેના પરિણામે કશીશ ગભરાઈ ગયો હતો ગાડીમાં બેઠેલા શખ્સે કશીશને કાર ચાલુ કરી આગળ લઈ જવા જણાવ્યું હતું અને ત્યાંથી કારને લઈ તેઓ શ્રેયાંસ ચાર રસ્તા પાસે આવ્યા હતાં.
કારમાં નકલી પોલીસ બનીને ત્રાટકેલી ટોળકીએ યુવાન વહેપારીનું અપહરણ કર્યાં બાદ શ્રેયાંસ ચાર રસ્તા પાસે કારમાં જ તેને ઢોરમાર માર્યો હતો અને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી ત્યારબાદ કારને લઈ તેઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યો હતો દાણીલીમડા ચાર રસ્તા થઈ ચંડોળા તળાવ પાસે લાવ્યા હતા અને ત્યાં નજીકમાં જ એક એટીએમ સેન્ટર હતું તેની પાસે ગાડી ઉભી રખાવી હતી.
કાર ઉભી રહેતા જ બાઈક પર સવાર શખ્સો અને ગાડી પર બેઠેલા શખ્સોએ વહેપારી કશીશને તેનુ એટીએમ કાર્ડ કાઢવા જણાવ્યું હતું અને એટીએમ કાર્ડ લઈ તેને સાથે રાખી તેનો પીન નંબર મેળવી એટીએમમાંથી કુલ રૂ.૪૦ હજાર ઉપાડી લીધા હતાં. વહેપારી પાસેથી રૂ.૪૦ હજારની લુંટ કર્યાં બાદ વહેપારીને કારમાં બેસાડી પાછા નારોલ રોડ પર પુલની નીચે આવ્યા હતા અને ત્યાં આ લુંટારુ ટોળકીએ વહેપારીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવીશ.
તો જાનથી મારી નાંખીશું અને ત્યારબાદ આ લુંટારુ ટોળકી ગણતરીની મીનીટોમાં દાણીલીમડા બાજુ ભાગી ગઈ હતી. આ ઘટનાથી વહેપારી કશીશ ખૂબ જ ગભરાઈ ગયો હતો અને પોતાના મિત્રો અને સગા સંબંધીઓને સમગ્ર હકીકત જણાવી હતી ત્યારબાદ હિંમત કરીને તે રાત્રે કાગડાપીઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ત્યાં ઉપસ્થિત પીએસઆઈ એમ.બી. પટેલ સમક્ષ સમગ્ર હકીકત જણાવી હતી આ ઘટનાથી ચોંકી ઉઠેલો પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
નકલી પોલીસ બનીને ત્રાટકતી આ ટોળકી કાંકરિયા વિસ્તારમાં જ નાગરિકોને લુંટતી હોવાની માહિતીથી કાગડાપીઠ પોલીસનો સ્ટાફ આ વિસ્તારમાં વોચ રાખીને બેઠો છે આ દરમિયાનમાં મોડી રાત્રે કાંકરિયા ફુટબોલ મેદાન પાસેથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. મોહસીનખાન ફારુકખાન પઠાણ નામનો આ શખ્સ ઝડપાઈ જતાં તેની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
મોહસીનખાન અને તેની ટોળકીએ કશીશને લુંટી લીધો હતો તપાસ કરતા આ શખ્સ રીઢો ગુનેગાર છે અને તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. કાગડાપીઠ પોલીસની ત્વરિત કામગીરીથી મુખ્ય સુત્રધાર અન્ય કોઈ નાગરિકને લુંટે તે પહેલાં જ ઝડપાઈ જતાં હવે તેના સાગરિતોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.