નકલી પોલીસ અડધી રાત્રે સગીરનું અપહરણ કરી ગઇ
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર મકાનના ધાબે સૂતો હતો. ત્યારે ઘર પાસે એક સફેદ ઇકો કાર આવી હતી અને તેમાંથી કેટલાક શખ્સો આવી મકાનના ધાબે ચડી ગયા હતા. ત્યાં સૂઈ રહેલા એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો અને બાદમાં તેને સીટીએમ પાસે ઉતારી શખશો ફરાર થઈ ગયા હતા.
જાેકે બાદમાં એવું સામે આવ્યું કે સગીરના ભાઈએ અગાઉ એક છોકરાને માર મારવા બાબતે આ શખ્સોએ અપહરણ કર્યું હતું જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રામોલમાં રહેતા સરોજબહેન તિવારી ને સંતાન માં ૨૨ વર્ષીય દિપક, દીકરી અને ૧૫ વર્ષનો સંદીપ નામના ત્રણ બાળકો છે. મોટો દીકરો દિપક સિટીએમ ખાતે ફાયનાન્સ નો ધંધો કરે છે અને ચારેક દિવસ પહેલા તેને કોઈ આકાશ નામના છોકરા સાથે ઝગડો થયો હતો ત્યારનો તે ઘરે આવ્યો ન હતો. રાત્રે સરોજ બહેન તેમનો દીકરો સંદીપ, દીકરી સહિતના લોકો ગરમીના કારણે ધાબે સુતા હતા.
ત્યારે રાત્રે સાડા ત્રણેક વાગ્યે એક ઇકો કાર ઘર પાસે આવી અને તેમાં આવેલા કેટલાક શખશો સીધા ધાબે ચઢી ગયા અને સંદીપ ને જગાડી કહ્યું કે, દીપકે બાબાને માર માર્યો છે. અમે પોલીસસ્ટેશનથી આવીએ છીએ ઉપરથી સાહેબૈ કીધું છે, પરિવારમાંથી કોઈને બોલાવી લાવો. જેથી સરોજ બહેનની દીકરીએ આ પોલીસની ઓળખ આપનાર પાસેથી આઈકાર્ડ માગતા આઈકાર્ડ ન હોવાનું શખસોએ જણાવ્યું હતું અને સંદીપને ઉઠાવી ઇકો કારમાં લઈ ગયા હતા. સરોજબહેને આસપાસના લોકોની મદદથી તપાસ કરી પણ કોઈ પતો લાગ્યો નહિ.
જેથી પોલીસસ્ટેશન જઈને તપાસ કરતા કોઈને ન લાવ્યા હોવાનું જણાતા નકલી પોલીસ સગીરનું અપહરણ કરી લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને અભિમન્યુ બોલું છું કહીને હું અને પ્રમોદ યાદવ તારા ભાઈને લઈ ગયા છે. તેવું આ ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું. દિપક આવી જશે તો સંદીપને મુક્ત કરી દઈશું તેવું કહેતા સરોજબહેન અપહરણની ફરિયાદ નોંધાવી રહ્યા હતાં.
તેવામાં સવારે છએક વાગ્યે સંદીપ આવી ગયો હતો. તેની આંખે પટ્ટી બાંધી, હાથે રૂમાલ બાંધી શખશો તેનું અપહરણ કરી ગયા હતા અને અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હોવાનું જણાવતા રામોલ પોલીસે ગુનો નોંધી પોલીસની ઓળખ આપનાર એક શખશની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.