નકલી લગ્ન કરીને ૫૦થી વધુ પરિવારોને લૂંટનારી ૯ દુલ્હનોની ધરપકડ કરાઇ
પુણે, પૂણે ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં સામેલ મહિલાઓ નકલી લગ્ન કરીને લોકોને લૂંટતી હતી. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરુષોને પોલીસે અરેસ્ટ કરી લીધા છે. અન્ય બીજા સાથીદારોની શોધ ચાલી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં ૫૦થી વધુ પરિવારોમાં લગ્ન કર્યા અને તેમના ઘરેણા, પૈસા અને કિંમતી સામાન લૂંટીને ફરાર થઈ ગઈ.
ક્રાઈમ બ્રાંચની ટીમે જે મહિલાઓને પકડી છે તેની ઉંમર ૨૨થી ૩૫ વર્ષ વચ્ચે છે. પોલીસનું માનવું છે કે ગેંગની ૧૨થી વધુ મહિલાઓ હાલ ફરાર છે. આ ગેંગે લગ્નના નામે નાસિક, પૂણે, સોલાપુર, ગુલબર્ગા, વાપી અને કોલ્હાપુરમાં લોકોને લૂંટ્યા છે.
પૂણે ગ્રામીણ પોલીસની સ્થાનિક ગુના શાખા એક વ્યક્તિ(ઓળખ ન આપવાની હોવાથી નામ નથી જાહેર કર્યું) પાસેથી દોઢ લાખ રૂપિયા લૂંટી જવાના મામલાની તપાસ કરી રહી હતી. પીડિતે જણાવ્યું કે, જ્યોતિ પાટિલ(૩૫)લગભગ એક મહિના પહેલા તેમને મળી હતી. પોતાને એકલી અને ગરીબ કહીને લગ્નની રજુઆત કરી. તેમણે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન કરી લીધા. ગત સપ્તાહે પીડિત પરિવારે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી તો જ્યોતિના એક મિત્રની ખબર પડી. તેમણે જણાવ્યું કે, જ્યોતિ પહેલાથી જ લગ્નગ્રંથીએ જાેડાયેલી છે અને તેને બે બાળકો પણ છે. પોલીસનું કહેવું છે કે જ્યોતિ જ ગેંગની લીડર છે.પોલીસે અત્યાર સુધી જ્યોતિ પાટિલ સહિત નવ મહિલાઓ અને બે પુરુષોને અરેસ્ટ કર્યા છે. જ્યોતિએ સ્વીકાર્યું છે કે અત્યાર સુધી પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા છે. જાે કે, આમાંથી માત્ર એકે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલા અંગે પૂણે ગ્રામીણ પોલીસે એસપી અભિનવ દેશમુખે કહ્યું, અમે લોકોને અપીલ કરવા માગીએ છીએ કે જે લોકો સાથે પણ આ પ્રકારની લૂંટ થઈ છે તે સામે આવે અને અમને જણાવે, જેથી આવા વધુ કેસના પર્દાફાશ થઈ શકે.HS