નકલી HSRP કૌભાંડ: ક્રાઈમબ્રાંચે જુદાં જુદાં તાલુકામાંથી આઠ વાહનો કબ્જે કર્યાં
નંબર પ્લેટ બનાવી આપનાર નડીયાદનો ઈસમ હજુ પણ પોલીસની પકડ બહાર
(પ્રતિનિધિ) અમદાવાદ, થોડાં દિવસો અગાઉ ક્રાઈમબ્રાંચની ટીમે નારોલ ખાતેથી બાતમીને આધારે બે શખ્સોને ઝડપીને તેમની પાસેથી નકલી HSRP નંબર વાળા વાહનોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેની તપાસ આગળ વધતા અમદાવાદ તથા આસપાસના જીલ્લામાંથી આઠ વાહનો કબ્જે કર્યાં છે.
ક્રાઈમબ્રાંચ પીઆઈ ડી.બી. બારડની ટીમે નકલી HSRP નંબર પ્લેટના કૌભાંડમાં ઝડપાયેલા આરોપી મુનાવરખાન મહમદખાન પઠાણ તથા રોહીત શંભુભાઈ ચુનારાની અટક કરી હતી તેમની કડક પૂછપરછ કરતા તેમણે ડાઉન પેમેન્ટ ભરી લોન ન ભરવા માટે અમદાવાદ શહેરથી દુરના જીલ્લાઓમાં કેટલાક વાહનો વેચ્યા હોવાનું કબુલ કર્યુ હતું જેના આધારે તેમણે સુરેન્દ્રનગર, મોરબી, ખેડા તથા અમદાવાદ જીલ્લાના દુરના તાલુકાઓમાં વેચેલા જુદાં જુદાં આઠ વાહનો કબ્જે કર્યા હતા ઉપરાંત મુનાવર તથા રોહીતની વધુ તપાસ કરી રહયા છે જેમાં આવા વધુ વાહનો મળી આવવાની સંભાવના છે.
આ અંગે પીઆઈ ડી.બી. બારડે જણાવ્યું હતું કે બંને શખ્સો ડાઉન પેમેન્ટ ભર્યા બાદ છોડાવેલા વાહનો ‘કટીંગ’ (આરટીઓમાં રજીસ્ટ્રેશન વગર)માં વેચી દેતા હતા. ઉપરાંત કોઈ નંબર પ્લેટ માંગે તો નડીયાદના અસીબ પાસે નકલી ૐજીઇઁ નંબર પ્લેટ બનાવીને વેચતા હતા.આ કૌભાંડમાં સંડોવાયેલો નડીયાદનો વતની અસીબ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચે એ પહેલાં જ ફરાર થઈ ગયો છે.