‘‘નકામા લોકોને માથે ઠોકી બેસાડશે તો લોકશાહી ડચકા મારશે’’!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/adalat3108-1024x256.jpg)
ભારતની સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ ના ન્યાયાધીશોએ સીબીઆઈનું પોતાનું આધાર માળખુ સુધારી કેસોના ઝડપી નિકાલ કરવા ગંભીર અવલોકન સાથે ખુલાસો માંગ્યો છે ત્યારે કેન્દ્ર સરકારની કોઈ જવાબદારી ખરી કે નહીં?!
સીબીઆઇ કોર્ટમાં ૫૧ સંસદસભ્યો સામે કેસ છે અને ૭૧ ધારાસભ્યો સામે કેસ છે ૩૭ કેસમાં સીબીઆઇની તપાસ ઘણા વર્ષોથી ચાલી રહી છે! અને ૪૫ કેસમાં સીબીઆઈ ચાર્જશીટ જ કરી શકતું નથી!! ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે સીબીઆઈ ખાતાનો ચાર્જ હોય તેમણે ઉદાસીનતા ખંખેરવી પડશે! શું બધું કામ દેશની અદાલતોએ કરવાનું છે?! તો પછી સી.બી.આઈ ‘આત્મનિર્ભર’ કઈ રીતે બનશે?!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના, જસ્ટીસ શ્રી ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ શ્રી સૂર્યકાંત ની ખંડપીઠે સીબીઆઇની કામગીરીનું અવલોકન કરતા એવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે ૫૧ સંસદ સભ્યો પર અને ૭૧ ધારાસભ્યો પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટના ૨૦૦૨થી આરોપો છે
સમગ્ર દેશમાં ચાલતા ૧૨૧ કેસોમાં ૫૮ કેસો એવા છે જેમાં જન્મટીપની સજા થઈ શકે છે અને ૪૫ તો એવા છે જેમાં કહેવાય છે કે ચાર્જશીટ દાખલ નથી થઈ સીબીઆઈએ ૨૭૦ કરોડની મિલકત ટાંચમાં લીધી હોવા છતાં ચાર્જ શીટ ફાઈલ નથી કરી!! જેની ગંભીર નોંધ સુપ્રિમકોર્ટે લીધી છે પરંતુ કાર્યભાર નો બોજો ઘટાડવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કરવા જોઈએ
બીજી તસવીર મદ્રાસ હાઈકોર્ટની છે જેના ન્યાયાધીશોએ ટકોર કરવી પડી છે કે સીબીઆઈને બંધારણે આપેલા અધિકાર મુજબ કામ કરવા દેવામાં આવે અને પાંજરા ના પોપટ માંથી મુક્તિ અપાવવા મહત્વપૂર્ણ આદેશ કર્યા છે! અને સી.બી.આઈ ના કેસોનો ઝડપ થી નિકાલ કરવા આદેશ સાથે છ સપ્તાહમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે
ટૂંકમાં સી.બી.આઈ.ને પોતાનો વ્યાપ વધારવા સરકારને પણ જરૂરી હુકમો કર્યા છે ત્યારે હવે સીબીઆઈ નું ખાતું સંભાળતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અદાલતો ની ટકોર બાદ સીબીઆઇના આધાર માળખાની અડચણો દૂર કરવા અગત્યના પગલાં લેવા જરૂરી છે જેથી સી.બી.આઈ આત્મનિર્ભર બની શકે. તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે ‘‘કામ કરતા લોકો પાસેથી કામ લઈને નકામા લોકોને માથે ઠોકી બેસાડશો તો લોકશાહી ડચકા ખાશે’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે ‘‘જ્યાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકતા નથી’’!!
ભારતમાં કેટલીક તપાસ એજન્સીઓની ભૂમિકા હાસ્યાસ્પદ બની ગઈ છે અને સરકારની કટપુતળી બની ગયા ની છાપ ઊભી થઈ છે અને કહેવાય છે કે ખાસ કરીને સી.બી.આઈ નું નામ મોટું છે, ભય મોટો છે પરંતુ તેનું કથિત રીતે રાજકીય કરણ થઈ જતાં તેની ભૂમિકા દેશને માટે કેટલી હિતકારક છે
એ અંગે ભારતની સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે સી.બી.આઈ માટે જે અભિપ્રાય આપ્યો એ અત્યંત ગંભીર છે! અદાલતોની ટકોરને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગંભીરતાથી નહી લે તો સી.બી.આઈ ‘આત્મનિર્ભર’ કઈ રીતે બનશે?!