નગરી હોસ્પિટલમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૫૦૦ લોકોએ ચક્ષુદાન કર્યું

મ્યુનિ. હોસ્પિટલોમા અંગદાન ની જાગૃતિ લાવવા માટે અભિયાન શરૂ થશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શ્રી. ચી. હ. નગરી આંખની હોસ્પિટલનું શહેરની જનતાને આંખના રોગોના નિવારણના ઉદેશથી વર્ષ ૨૦૧૯માં નવીનીકરણ કરવામાં આવ્યુ છે. હાલમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોના શહેર તેમજ ગામડાઓ માંથી સારવાર અર્થે દર્દીઓ લાભ લઈ રહ્યા છે.હોસ્પિટલમાં આઈ બેન્ક પણ કાર્યરત છે જેમાં દર વર્ષે સરેરાશ ૫૦૦ કરતા વધુ લોકો ચક્ષુદાન કરે છે. નગરીની જેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશનની અન્ય હોસ્પિટલમાં અંગદાન અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ નગરી હોસ્પિટલ ખાતે અંધત્વ નિવારણ ના હેતુથી હોસ્પિટલ ખાતે નગરી આઇ બેંકની શરૂઆત વર્ષ ૧૯૯૧ માં કરવામાં આવી. નગરી આઇ બેંક HUMAN ORGAN TRANSPLANTATION ACT અંતર્ગત વર્શ ૨૦૦૬ થી રજીસ્ટર્ડ થયેલ છે તથા EYE BANK ASSOCIATION OF INDIA નું પણ સભ્યપદ ધરાવે છે.
ઉપરાંત NOTTO-NATIONAL ORGAN & TISSUE TRANSPLANT ORGANIZATION અંતર્ગત રજીસ્ટર્ડ છે. નગરી આઇ બેંક દ્વારા મરણ પામેલા વ્યક્તિઓની આંખોનુ દાન સ્વીકારવામાં આવે છે. તેની કાળજીપુર્વક સાચવણી કરવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓની કીકી પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવે છે.ચક્ષુદાન અને અંગદાન અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ૧૮૦ લાખથી પણ વધુ લોકો અંધત્વથી પીડાય છે. અંદાજીત ૪૫ લાખ લોકો કીકીની ખરાબીના કારણે અંધ છે.જેમાં દર વર્ષે ૩૦ હજાર લોકોનો ઉમેરો થાય છે. કીકી ના પ્રત્યારોપણથી આ અંધત્વને દુર કરી શકાય છે.
જે માટે ચક્ષુદાન અનિવાર્ય છે. ચક્ષુદાન કોઇપણ વ્યક્તિ- નવજાત શિશુથી શરૂ કરીને વૃદ્ધ વયની વ્યક્તિ કરી શકે છે. તેમાં ઉંમર, જાતિ, ધર્મ, બ્લડ ગ્રુપનો કોઇ બાધ હોતો નથી. ડાયાબીટીસ,બી.પી., ચશ્માં પહેરતી તથા મોતિયાનું કે કોઇપણ આૅપરેશન થઇ ચુકેલ વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે.તેવી જ રીતે મૃત્યુ પામેલ વ્યક્તિ ના શરીર ના ૮ અંગ નું ડોનેશન થઈ શકે છે જેના થકી અન્ય વ્યક્તિ ની જિંદગી બચી શકે છે. તેથી એલ.જી અને શારદાબેન હોસ્પિટલમાં અંગદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.