નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામ સ્થિત શાળાનાં આચાર્યને ‘સુરત રત્ન’ એવોર્ડથી સન્માનિત કરાયા
(પ્રતિનિધિ) હાંસોટ, ‘ઘટમાં ઘોડા થનગને…’ ઉક્તિને ચાલકબળ સમજી પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીને સ્વબળે ઉજ્જવળ અને અન્ય માટે પ્રેરણાસ્રોત બનાવનાર વ્યક્તિત્વ એટલે પ્રકાશ પરમાર. મૂળ કીમ તા.ઓલપાડનાં વતની પ્રકાશ વસનજી પરમાર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં એક સામાન્ય શિક્ષક તરીકે જાેડાયા.
ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુક્ત થઈ તેમણે યશસ્વી કામગીરી કરી નામના પ્રાપ્ત કરી. હાલ તેઓ સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામની શાળા ક્રમાંક ૩૧૯ માં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળી પોતાની શાળાને સફળતાનાં નવા સોપાનો સર કરાવવાની નોંધનીય કામગીરી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કવિ, લેખક, અભિનેતા, મૂલ્યાંકનકાર, પરામર્શક, ઉદ્દઘોષક, ભાષા તજજ્ઞ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રકાશ પરમાર તાલુકા કક્ષાથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ લેખન, અભિનય જેવાં વિવિધ ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં તેઓ પુસ્તક રચનામાં આગળ પડતુ સ્થાન ધરાવે છે. તેમનાં દ્વારા રચાયેલ પ્રજ્ઞા ગીત રાજ્યભરની શાળાઓમાં ગુંજે છે જે સમગ્ર સુરત શહેર સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.