નજર ચૂકવી ચોરી કરતા બે શખ્સો ઝડપાયાઃ ૧૪ ગુનાઓના ભેદ ઉકેલાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રીક્ષા ગેંગે આતંક મચાવ્યો છે મુસાફરોને રીક્ષામાં બેસાડીને અવાવરૂ સ્થળે લઈ જઈ લુંટ કરવી કે નજર ચુકવી રોકડ- કિંમતી મત્તા ચોરી લેવાના બનાવો તાજેતરમાં વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવ્યા છે. આ બાબતે ક્રાઈમબ્રાંચે બે શખ્સોને ઝડપીને આવા ૧૪ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. રીક્ષા સાથે ઝડપાયેલા ઈસમો અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચુકયા હોવાનું સામે આવ્યું છે.
રીક્ષામાં મુસાફરોને લુંટતી ગેંગના ગુના વધતા ક્રાઈમબ્રાંચ સક્રીય થઈ હતી જેને પગલે પીઆઈ ચાવડાની ટીમને આવા ગુનામાં સંકળાયેલા બે ગુનેગારો બહેરામપુરા ખાતે હોવાની બાતમી મળતા મેલડી માતાના મંદીર પાસેથી અહેમદ ઉર્ફે કાલીયા શેખ (બાર તોડા કબ્રસ્તાન, ગોમતીપુર) તથા ફિરોજ ઉર્ફે ખજજા શેખ (જેઠાલાલની ચાલી, બહેરામપુરા) ને એક રીક્ષા સાથે ઝડપી લીધા હતા.
અને બંને આરોપીઓની કડક પુછપરછ કરતા તેમણે ગીતામંદીર, કાલુપુર, નરોડા, ઈસનપુર, સહીતના વિસ્તારોમાં બનેલા ૧૪ ગુનાઓના ભેદ ઉકેલાયા હતા. અહેમદ અને ફીરોજ અગાઉ ચોરી, મારામારી, પાસા તથા પોલીસ સાથે ઘર્ષણ જેવા ગુનાઓમાં ઝડપાઈ ચુકયા છે.