નજર સામે પતિ, પિતા અને માતાએ અંતિમ શ્વાસ લીધા છતાં કોરોનાની ફરજ પર હાજર
વડોદરા: ધર્મની વાત આવે ત્યારે અનેક ધર્મની ચર્ચા થાય છે, પરંતુ સેવાધર્મની વાત થતી નથી. મહામારીમાં જીવના જાેખમે સેવા પરમો ધર્મને બજાવનાર એસએસજીનાં ૩ નર્સ દ્વારા નારી તુ નારાયણીનું બિરુદ સાર્થક કર્યું છે. કોવિડ વોર્ડમાં ફરજ સમયે પતિ, પિતા અને માતાએ અંતિમ શ્વાસ લીધા છતાં લૌકિક ક્રિયા પતાવી પરત એ જ કોવિડ વોર્ડમાં અન્ય દર્દીઓની સારવારમાં કાર્યરત થયાં હતાં.
ગોરવા પંચવટી ખાતે રહેતાં પારુલબેન વસાવા અને તેમના પતિ દયારામ વસાવા સયાજીમાં નર્સ હતાં. ૧૨ નવેમ્બરે દયારામભાઈનું કોરોનાની સારવારમાં મૃત્યુ થયું હતું. પારુલબેને પતિના અંતિમ શબ્દો ‘દર્દી પણ નારાયણનું જ સ્વરૂપ છે’ યાદ કરીને સેવા કાર્ય ચાલુ રાખ્યું છે.
છાણીમાં રહેતાં ફાલ્ગુનીબેન ગોહિલ સયાજીમાં નર્સ છે. અમદાવાદ રહેતા પિતા કોરોનાગ્રસ્ત થતાં સયાજીમાં લવાયા હતા. પિતા મનુભાઈ પરમારે ૨૪ ફેબ્રુઆરીએ પોતાની આંખો સમક્ષ અંતિમ શ્વાસ લીધા હતા. આજે આ વોર્ડને જાેતાં આંખો ભીની થઈ જાય છે. જાેકે અન્ય દર્દીઓની સારવારથી પિતાની સારવાર કર્યાનો સંતોષ મળે છે.
કલાલીના પારુલબેન પારેખ સયાજીમાં ૧૨ વર્ષથી નર્સ છે. પાદરા સાંગમામાં રહેતાં માતા જશોદાબેનનું ૮મીએ સયાજીમાં કોરોનાથી મૃત્યુ થયું હતું. માતાની સારવાર માટે તેઓ ડ્યૂટી ન હોવા છતાં કોરોના વોર્ડમાં જતાં હતાં. હવે વોર્ડના અન્ય દર્દીઓની સારવાર કરી ફરજ અદા કરે છે.