નટુકાકાએ છેલ્લા એક મહિનાથી શૂટિંગ નથી કર્યું
મુંબઈ: સીનિયર એક્ટર ઘનશ્યામ નાયક ઉર્ફે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા છેલ્લા એક મહિનાથી ઘરે છે. એક્ટરે છેલ્લા માર્ચ મહિનામાં એપિસોડ માટે શૂટિંગ કર્યું હતું, જ્યાં ટ્રેકમાં તેઓ ગામડે હોવાનું અને ફોન પર જેઠાલાલ સાથે વાત કરતાં હોવાનું દર્શાવાયું હતું. અન્ય શોની જેમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ પણ સ્થગિત કરાયું છે. ઘનશ્યામ નાયકે આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘છેલ્લા એક મહિનાથી હું ઘરે છું. શૂટિંગ હાલ સ્થગિત કરાયું હોવાથી મારો ટ્રેક ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
મેકર્સે પણ શિફ્ટના આધારે કોઈ ર્નિણય લીધો નથી. મેં એપિસોડ માટે માર્ચમાં શૂટિંગ કર્યું હતું અને ત્યારબાદથી હું ઘરે છું. મને ખાતરી છે કે મેકર્સ ટૂંક સમયમાં મારો ટ્રેક શરુ કરશે અને નટુકાકા ગામડેથી મુંબઈ કેવી રીતે આવે છે તે દર્શાવશે. હાલની મહામારીની સ્થિતિ સામે તેઓ કેવી રીતે લડી રહ્યા છે તે અંગે પૂછતાં સીનિયર એક્ટરે કહ્યું કે, ‘અત્યારનો સમય કપરો છે. હું ઘરે છું
મારો પરિવાર પણ હું ઘર બહાર ન નીકળું તે વાત પર ભાર મૂકે છે. પરંતુ હું કામ કરવા પર અને સેટ પર પરત જવા માટે મરી રહ્યો છું. હું કેટલા સમય સુધી આ રીતે આઈસોલેશનમાં અને મારા કામથી દૂર રહીશ? વાયરસના કારણે સીનિયર એક્ટર્સ માટે અઘરું છે. હું સીનિયર એક્ટર માટેના સેફ્ટી પ્રોટોકોલને સમજું છું, પરંતુ મારું મગજ અને શરીર ઉઠીને કામ પર જવા માગે છે.
ઘનશ્યામ નાયકે કહ્યું કે, મુંબઈ શહેરમાં સેટ ફરીથી ક્યારે લાગશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ‘તે બધું મેકર્સ પર આધારિત છે. હાલ તો મને ખબર નથી કે સેટને રિલોકેટ કરવામાં આવશે કે કેમ. હું આશા રાખું છું કે, ખૂબ જ જલ્દી ફિલ્મ સિટીમાં હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે શૂટિંગ શરુ કરીશ.