નટુકાકા ૨-૩ મહિનાથી ખાઈ નહોતા શકતા
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં નટુકાકાનો રોલ ભજવતાં પીઢ અભિનેતા ઘનશ્યામ નાયકનું રવિવારે (૩ ઓક્ટોબર) નિધન થયું છે. ઘનશ્યામ નાયક કેન્સરથી પીડાતા હતા. ઘનશ્યામ નાયકને ફિલ્મો અને ટીવી સીરિયલોમાં તેમણે ભજવેલા પાત્રો માટે દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો.
જાેકે, નટુકાકાના રોલ દ્વારા તેઓ ઘર-ઘરમાં પ્રખ્યાત થયા હતા. નટુકાકાનું પાત્ર ભારતીય ટેલિવિઝનમાં સૌથી વધુ પ્રેમ મેળવનારા પાત્રો પૈકીનું એક હતું. ઘનશ્યામ નાયકના એકાએક નિધનના સમાચારે માત્ર ફેન્સ જ નહીં તેમના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કો-એક્ટર્સને પણ ઝટકો લાગ્યો છે. સીરિયલમાં ઘનશ્યામ નાયક સાથે સૌથી વધુ સીન બાઘાનો રોલ કરતાં એક્ટર તન્મય વેકરિયાના હતા.
ત્યારે તન્મયે વહાલા નટુકાકા વિશે વાત કરી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તન્મય વેકરિયાએ જણાવ્યું કે, છેલ્લા ૨-૩ મહિનાથી ઘનશ્યામ નાયક ખૂબ પીડામાં હતા. હવે તેમને પીડામાંથી મુક્તિ મળી છે ત્યારે તેઓ સુખદ સ્થિતિમાં હશે તેવી તન્મયે કામના કરી છે. તન્મયે કહ્યું, આ ખૂબ મોટી ખોટ છે. માત્ર મારા માટે જ નહીં અમારી આખી ટીમ માટે પૂરી ના શકાય તેવી ખોટ છે.
અમે સૌ તેમની સાથે લાગણીથી જાેડાયેલા હતા. તેઓ પ્રેમાળ અને સારા હૃદયના વ્યક્તિ હતા. આ અવિશ્વસનીય અને ચોંકાવનારું છે. રવિવારે સાંજે ૫.૩૦ કલાકે તેમનું નિધન થયું હતું. તેમના દીકરાએ સાંજે ૫.૪૫ની આસપાસ મને ફોન કરીને દુઃખદ સમાચાર આપ્યા હતા.
ઘનશ્યામ નાયકને યાદ કરતાં તન્મય વેકરિયાએ કહ્યું, “હું ઘનશ્યામજીને હંમેશા સારા દિલના વ્યક્તિ તરીકે યાદ રાખીશ. આખી જિંદગીમાં ક્યારેય હું તેમના જેવા માણસને નથી મળ્યો અને હવે કદાચ મળીશ પણ નહીં. તેઓ એકદમ સરળ વ્યક્તિ હતા અને ક્યારેય કોઈના વિશે ખરાબ બોલતા નથી સાંભળ્યા. કામ પ્રત્યેનો તેમનો જુસ્સો કમાલનો હતો. મને લાગે છે ભગવાને તેમના વિશે કંઈક બીજું વિચારી રાખ્યું હશે. હું અને તારક મહેતાનો આખો પરિવાર તેમને રોજ યાદ કરીશું.SSS