નડિયાદના ડભાણ હાઈવે પર ડમ્પર પાછળ એસ.ટી બસ ઘૂસી જતાં બસના ચાલકનું ઘટના સ્થળે મોત

અકસ્માતમાં બસમાં બેઠેલા 8 જેટલા મુસાફરોને ઈજાઓ
નડિયાદ ગ્રામ્ય પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો
સમગ્ર રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ પાસેના હાઇવે પર ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોરબીથી મંડોર જતી એસ.ટી બસને અકસ્માત નડતા આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જ્યારે બસના ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. નડિયાદ તાલુકાના ડભાણ ગામની સીમમાં ગતરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
અહીંયા આ હાઈવે પરથી મોરબીથી મંડોર જતી એસ.ટી બસ નડિયાદ તરફ આવી રહી હતી. આ સમયે રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ દાવડા બ્રીજ ઉતરી ડભાણ તરફ આવતા આગળ જઈ રહેલા ડમ્પર પાછળ એસ.ટી બસ અથડાઈ હતી.
અકસ્માત બાદ એસટી ચાલકને બસના આગળના પડખાનું પતરુ માથાના ભાગે ઘૂસી જતાં ચાલક જખાન અલેફખાન પઠાણ (રહે. સાકર, લખતર, જિ. સુરેન્દ્રનગર)નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે બસના કંડકટર સહિત બસના કેબીન નજીક આવેલ સીટ પર બેઠેલા આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જે તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિપુલભારતી ગોસ્વામીની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.