નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇને વિધાનસભાના મુખ્ય દંડક તરીકે રીપીટ કરાયા
અને મહેમદાવાદના ધારાસભ્યને કેબીનેટ મંત્રી પદ મળ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ની પસંદગી બાદ આજે મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી જેમાં નડિયાદના ધારાસભ્યને દંડક પદે રીપીટ કરાયા છે. જ્યારે મહેમદાવાદના ધારાસભ્યને રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી પદ મળતા સમગ્ર જિલ્લાના કાર્યકરો ઘેલમાં આવી ગયા છે.
નવી સરકાર રચાતા ખેડા જિલ્લામાંથી ૧૧૬ વિધાનસભા બેઠક નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇને વિધાનસભાના મુખ્ય દંડક તરીકે રીપીટ કરાયા છે. સતત ૫ ટર્મથી ચૂંટાઈ આવતાં પંકજ દેસાઇ દશમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૯-૨૦૦૨, થી ચૂંટાઈ આવે છે
પંકજ દેસાઇએ બી.એસ.સી.નો અભ્યાસ કર્યો છે. અને છેલ્લા ઘણાં વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છે. અગાઉ નડિયાદ નગરપાલિકાના સભ્ય અને પ્રમુખ પદે પણ રહ્યા છે. જ્યારે નડિયાદની શૈક્ષણિક, સ્વાસ્થ્યને લગતી સંસ્થાઓમાં પણ તે કાર્યરત છે. અને નડિયાદ અને જિલ્લાની પ્રજાની સુખાકારી મળી રહે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે.
https://westerntimesnews.in/news/147284
જ્યારે નવી સરકારમાં સૌપ્રથમ વખત ધારાસભ્ય બાદ કેબીનેટ મંત્રી બનેલા અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામના વતની છે. તેઓ પોતે વર્ષ ૨૦૧૭માં સૌપ્રથમ વખત મહેમદાવાદની બેઠક પરથી ઉભા રહી ધારાસભ્ય બન્યા હતા.
આ સમયે તેમણે સામે કોંગ્રેસના ગૌતમ ચૌહાણને ૧૦ હજાર મતોથી પરાજીત કર્યા હતા. આ પહેલા તેઓ વર્ષ ૨૦૧૬-૧૭માં પક્ષમાં જીલ્લા મહામંત્રી તરીકે સેવાઓ બજાવી ચૂક્યા હતા. જ્યારે ધારાસભ્ય પદ બાદ પણ અર્જુનસિંહ ૨૦૨૦-૨૧માં ખેડા જિલ્લાભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.
જાેકે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા છે. તેમનો વ્યવસાયે જાેઈએ તો તેઓ સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા. સ્વભાવે સરળ અને લોક ચાહના ધરાવતાં અર્જુનસિંહને સરકારના નવા કેબીનેટ મંડળમાં સ્થાન મળ્યું છે. આજે યોજાયલ શપથવિધિ ગ્રહણ સમારોહમાં તેમણે શપથ ગ્રહણ કર્યા હતા.
ખેડા જિલ્લાના આ બન્ને વિધાનસભાના ધારાસભ્યોને સરકારમાં સ્થાન મળતાં બન્ને વિધાનસભાના મતક્ષેત્ર સહિત સમગ્ર જિલ્લામાં આનંદ છવાયો છે. ખેડા જિલ્લા ભાજપના કાર્યકરો ઘેલમાં આવી ગયા હતા. અને સોશ્યલ મીડિયામાં બન્ને નેતાઓને અભિનંદન આપતી પોસ્ટ મૂકી શુભેચ્છાઓ પાઠવી છે.