નડિયાદના ૮૨ વર્ષીય લાભુબેન પ્રજાપતિએ કોરોનાને મ્હાત આપી
આત્મબળ અને ડોકટરની મહેનત રંગ લાવી…… લાભુબેનની જીંદગી બચાવી
નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જૂના ડુમરાલ રોડ ઉપર રહેતા ૮૨ વર્ષીય લાભુબેન પ્રજાપતિ (કે જેઓ શ્રી નરેશભાઇ પ્રજાપતિના માતા છે)ને કોરોના વાયરસનો ચેપ લાગેલ હોવાથી તેઓને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની નિયત સારવાર થયેલ હોઇ તેમજ તેઓનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવેલ હોવાથી તેમને તા.૦૯-૦૫-૨૦૨૦ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે શ્રી લાભુબેન પ્રજાપતિના પુત્રવધુ શ્રીમતી ગીતાબેન પ્રજાપતિને પણ રજા આપવામાં આવી હતી અને બપોરે શ્રી લાભુબેનને રજા આપવામાં આવી છે. શ્રી લાભુબેનના પુત્ર શ્રી નરેશભાઇને તા.૦૫-૦૫-૨૦૨૦ના રોજ હોસ્પિટલમાંજ રજા આપવામાં આવી હતી. હાલ શ્રી નરેશભાઇ પ્રજાપતિની ૧૯ વર્ષીય દિકરીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
હોસ્પિટલના ર્ડા.જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે, શ્રી લાભુબેનને જયારે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓની તબિયત ખુબજ નાજુક હતી. પરંતુ અમારી હોસ્પિટલના તબીબોની ટીમના સતત દેખરેખના કારણે તેઓએ ઝડપથી રીકવરી મેળવી હતી. પરંતુ વચ્ચે વચ્ચે તેઓની તબિયત બગડતા તેઓને ઓકિસજન પર પણ રાખવામાં આવ્યા હતા. તેમ છતાં શ્રી લાભુબેનનું આત્મબળ અને આત્મવિશ્ર્વાસે અમારા તબીબોમાં નવો ઉત્સાહ આવ્યો અને લાભુબેનના કોરોનાના ચેપને શિકસ્ત આપી. આમ, લાભુબેન આજે સ્વસ્થ થતા તેઓ તેમના ઘરે જઇ રહયા છે. (દિવ્યેશ આચાર્ય)