નડિયાદની યુવતીએ સૌથી કઠિન યોગાસન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો

નડિયાદ, ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભારત દેશ સહિત વિશ્વના અનેક દેશના લોકો યોગનું મહત્વ સમજીને તે તરફ આગળ વધી રહ્યા છે.
ત્યારે યોગમાં ગણાતા સૌથી કઠીન પિન્ડાસનયુકતા સર્વાગાસન કરીને નડિયાદની ર૬ વર્ષીય ટવીન્કલ આચાર્યે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ યોગ ૧૧ મિનિટ કરીને ટવીન્કલે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવીને સાક્ષરનગરી સહિત દેશનું નામ રોશન અને ગૌરવ વધાર્યું છે.
નડિયાદ કપડવંજ રોડ પર આવેલી નિર્મલનગર સોસાયટીમાં રહેતા અને ટયુશન કલાસીસ ચલાવતા હિતેશભાઈ આચાર્યની પુત્રી ટવીન્કલે ર૦૧૯-ર૦માં એમ.કોમ. પૂર્ણ કર્યા બાદ કોરોનાકાળ અને લોકડાઉનમાં ઘરે ઈન્ટરનેટ ઉપર યોગના વિવિધ આસનો જાેઈને યોગ શરૂ કર્યા હતા. ત્યારબાદ ટવીન્કલે યોગગુરૂ સ્વર જાેષીના માર્ગદર્શન મુજબ યોગની તાલીમ લીધી હતી.
તેણે રાજય અને રાષ્ટ્રીયકક્ષાની યોગ સ્પર્ધામાં અમદાવાદ, ગોવા સહિત અન્ય રાજયોમાં પણ ભાગ લઈને અગ્રેસર સ્થાન મેળવ્યું હતું. ટવીન્કલે જણાવ્યું હતું કે, યોગની સ્પર્ધામાં પિન્ડાસનયુકતા સર્વાંગાસન હતું પરંતુ આ કઠિન યોગ કોઈ કરતું ન હતું જેથી મેં આ યોગ કરવાનું નકકી કર્યું હતું. સતત આઠ માસ સુધી પ્રેક્ટિસ કરી હતી.
ત્યારબાદ ગત તા.ર૭ માર્ચના રોજ નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજના સાંનિધ્યમાં સૌથી કઠીન ગણાતા પિન્ડાસનયુકતા સર્વાગાશન ૧૧ મિનિટ કર્યું હતું. આ યોગનું લાઈવ પ્રસારણ ન્યુ દિલ્હી વિશ્વ રેકોર્ડની ટીમે નિહાળ્યું હતું.