Western Times News

Gujarati News

નડિયાદમાં મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં ‘રોબોટિક યુરોલોજી 360°’ કોન્ફરન્સ યોજાઈ

રોબોટિક યુરોલોજી ફોરમે યુરોલોજિકલ બિમારીઓની સારવારમાં વિવિધ અદ્યતન ટેકનિક વિશે સર્જનોને જાણકારી આપવા ઇન્ટ્યુટિવ ઇન્ડિયા સાથે જોડાણ કર્યું; ‘રોબોટિક યુરોલોજી 360°’પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું

·         રુફકોન’22 નામની આ કોન્ફરન્સ રોબોટિક યુરોલોજી ફોરમની ચોથી વાર્ષિક કોન્ફરન્સ હતી

અમદાવાદઃ રોબોટિક યુરોલોજિકલ સર્જરીઓ કરતાં સર્જનોનાં રાષ્ટ્રીય સંગઠન રોબોટિક યુરોલોજી ફોરમે તેની ચોથી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવા ઇન્ટ્યુટિવ સર્જિકલ સાથે જોડાણ કર્યું છે. ઇન્ટ્યુટિવ સર્જિકલ મિનિમલી ઇન્વેસિવ કેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજી લીડર છે અને રોબોટિક-આસિસ્ટેડ સર્જરી (આરએએસ)માં પથપ્રદર્શક છે.

આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું નામ રુફકોન’22 હતું, જેનો ઉદ્દેશ યુરોલોજિકલ સાથે સંબંધિત બિમારીઓની સારવાર કરવામાં અદ્યતન ટેકનિકોનો નૈદાનિક ઉપયોગ કરવા સર્જનો, નર્સો અને અન્ય હેલ્થકેર વ્યવસાયિકોને જાણકારી આપવાનો હતો. નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં આયોજિત આ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી યુરોલોજીના નિષ્ણાતો સામેલ થયા હતા.

આયોજક સમિતિએ ઉપસ્થિત તમામ લોકોને પર્યાપ્ત, ઉપયોગી અને શ્રેષ્ઠ જાણકારી મળે એ સુનિશ્ચિત કરવા વિવિધ અને વિસ્તૃત સત્રોનું આયોજન કર્યું હતું. ભારતમાં રોબોટિક-આસિસ્ટેડ સર્જરીના પરિવર્તન પર વિસ્તૃત સત્રો ઉપરાંત યુરો-ઓન્કોલોજી, રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી,

કિડનીના પ્રત્યારોપણ, પીડિયાટ્રિક યુરોલોજી અને ફિમેલ યુરોલોજમાં આરએએસની ઉપયોગિતા પર વિગતવાર સત્રો યોજાયા હતા. આ કોન્ફરન્સનો અન્ય એક ઉદ્દેશ દર્દીને આદર્શ સારવાર મળે એ સુનિશ્ચિત કરવા હાલ ઝડપથી બદલાતી સારવારની પદ્ધતિઓમાં વિવિધ યુરોલોજિકલ કેન્સરની સારવાર કરવાની શ્રેષ્ઠ રીતો માટે માર્ગદર્શિકાઓ સ્થાપિત કરવાનો હતો.

આ સહિયારા પ્રયાસ પર મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી ડિવિઝનના ચીફ અને રુફકોન’22ના આયોજક સચિવ ડૉ. અરવિંદ ગાનપુલેએ કહ્યું હતું કે, “હું આ પહેલને ટેકો આપવા બદલ ઇન્ટ્યુટિવ ઇન્ડિયાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ કોન્ફરન્સમાં સામેલ થયા તમામ ડૉક્ટરને બિરદાવું છું.

અમને દર વર્ષે આ કોન્ફરન્સમાં હેલ્થકેર વ્યવસાયિકોની વધતી સંખ્યા જોઈને આનંદ થાય છે. ચાલુ વર્ષે અમે આશરે 150 યુરો-સર્જને અન્ય સર્જનો સાથે તેમની જાણકારીઓનું આદાનપ્રદાન કર્યું હતું. અમે કોન્ફરન્સ દરમિયાન દા વિન્સી આરએએસ સિસ્ટમનો ઉપયોગ કરીને એમપીયુએચ નડિયાદ અને એચસીજી હોસ્પિટલ અમદાવાદમાંથી 10 લાઇવ સર્જરીઓ પણ દર્શાવી હતી.

એમાં પીડિયાટ્રિક પાયલોપ્લાસ્ટી (બાળકોમાં યુરિનરી ટ્રેક્ટ બ્લોકેજ દૂર કરવું), રેટઝિયસ સ્પેરિંગ રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી અને રિટ્રોપેરિટોનિયલ એનએસએસ અને સુપરસિલેક્ટિવ રોબોટિક એનએસએસ સામેલ છે. અમને આ કોન્ફરન્સમાં બે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય રોબોટિક સર્જનો અમેરિકાના લોસ એન્જિલસ ડૉ. મિહિર એમ દેસાઈ અને બ્રિટનના ડૉ. ઓમેર કરિમ હાજર રહ્યાં હતાં, જેના પર અમને ગૌરવ છે. તેમણે તેમની જાણકારી અને કુશળતાઓ સાથે ઉપસ્થિત હેલ્થકેર વ્યવસાયિકોને ઉપયોગી જાણકારીઓ આપી હતી.”

આ કાર્યક્રમમાં રોબોટિક યુરોલોજીમાં આ ક્ષેત્રના મહાનુભાવોએ રસપ્રદ અને ‘અદ્યતન ટેકનોલોજી’ પર સંવાદ કર્યો હતો. વળી અહીં રોબોટિક સર્જરીમાં તબીબી વીમો, રોબોટિક સર્જરીમાં જટિલતાઓ અને રોબોટિક રિનલ ટ્રાન્સપ્લાન્ટ પર સઘન ચર્ચા જેવા મુદ્દાઓ પર શૈક્ષણિક રીતે ઉપયોગી પેનલ ચર્ચા પણ થઈ હતી.

યુરોલોજીમાં આરએએસ પર રોબોટિક યુરોલોજી ફોરમના ચેરમેન અને રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલના કેન્સર નિષ્ણાત ડૉ. સુધીર કુમાર રાવલે કહ્યું હતું કે, “ભારતમાં રોબોટિક સર્જરી કૂદકેને ભૂસકે વધી રહી છે અને અત્યારે 95+ રોબોટિક ઇન્સ્ટોલેશન થયા છે.

પણ ભારતમાં પાત્રતા ધરાવતા દરેક દર્દીને આરએએસની સુલભતા પ્રદાન કરવા આટલા ઇન્સ્ટોલેશન પર્યાપ્ત નથી. એટલે આપણે સમયસર અદ્યતન આરએએસ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન વધારવાની જરૂર છે. આપણે અન્ય એક પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને આ પાસું છે – આરએએસ સિસ્ટમનો ઉપયોગ કરવા વધારે સર્જનોને તાલીમ આપવી.”

ડો. રાવલે ઉમેર્યું હતું કે, “અત્યારે લગભગ તમામ પ્રકારની યુરોલોજિકલ સારવારોમાં રોબોટિક-આસિસ્ટેડ સર્જરીનો બહોળો ઉપયોગ થાય છે. રુફકોન’22માં આપણે વધારે નૈદાનિક ક્ષેત્રોમાં આરએએસની ઉપયોગિતા માટે કામગીરી વધારવા પર વિગતવાર ચર્ચા કરી હતી. મને ખાતરી છે કે, આ કોન્ફરન્સથી હેલ્થકેર વ્યવસાયિકોને તેમના દર્દીઓને આરએએસ વિશે જાણકારી વધારે સારી રીતે આપવામાં મદદ મળશે.”

આ કોન્ફરન્સ પર રોબોટિક યુરોલોજી ફોરમના સચિવ અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના રોબોટિક સર્જરીના હેડ તથા સર્જિકલ ઓન્કોલોજી માટે રોબોટિક સર્જરીના કન્સલ્ટન્ટ ડૉ. યુવરાજા ટીબીએ કહ્યું હતું કે, “જૂનો હેલ્સ્ટેડિયન સિદ્ધાંત “સૌપ્રથમ સર્જિકલ પ્રક્રિયા જુઓ,

પછી પોતાની રીતે પ્રક્રિયા કરો અને પછી અન્ય તાલીમાર્થીને શીખવો” રોબોટિક સર્જરી માટે પણ લાગુ પડે છે. આ હંમેશા યુવાન અને ઉત્સાહી સર્જનોને શીખવવામાં આવે છે, જે કોઈ પણ સર્જરી અન્ય તાલીમાર્થીને શીખવવાની કે કુશળ સર્જિકલ પ્રક્રિયા જોવાની શ્રેષ્ઠ રીત છે.

રુફકોન 2022નાં હાર્દમાં આ વિભાવના જાળવી રાખવામાં આવી છે. નવી તબીબી અને સર્જિકલ ટેકનોલોજીઓ દર્દીઓમાં પરિણામો સુધારવાની સંભવિતતા ધરાવતા હોવાથી અમે હંમેશા અદ્યતન ટેકનોલોજીઓ વધારે સ્વીકારવા કામ કરીએ છીએ. આ પ્રકારની કોન્ફરન્સ ભારતમાં રોબોટિક-આસિસ્ટેડ સર્જરી (આરએએસ) જેવી નવી સર્જિકલ ટેકનોલોજીઓની સ્વીકાર્યતાને ખરાં અર્થમાં વધારેશે.”

રોબોટિક-આસિસ્ટેડ સર્જરીના ફાયદા પર ડૉ. યુવરાજાએ ઉમેર્યું હતું કે, “રોબોટિક-આસિસ્ટેડ સર્જરી સર્જનોને (આરએએસ) સંવર્ધિત સચોટતા, ફ્લેક્સિબિલિટી અને નિયંત્રણ સાથે આ પ્રકારની જટિલ મોટી સર્જિકલ પ્રક્રિયાઓ હાથ ધરવાની ક્ષમતા પ્રદાન કરી શકે છે. આ ફાયદા લાંબા ગાળે સર્જન અને સારવાર કરતી ટીમોને તેમના દર્દીઓને આયુષ્ય વધારતી સારવાર પ્રદાન કરવા સક્ષમ બનાવશે. આરએએસથી દર્દીને થતા કેટલાંક ફાયદા છે – ઓછી પીડા, ઓછો રક્તસ્ત્રાવ, હોસ્પિટલમાં ટૂંકું રોકાણ અને ચોક્કસ કેસોમાં ઓપરેશન પછી અતિ ઓછી જટિલતાઓ.”

રોબોટિક યુરોલોજી ફોરમ (આરયુએફ) પ્રથમ ભારતીય રોબોટિક સોસાયટી છે, જેમાં 150+ અગ્રણી યુરો-ઓન્કોલોજિસ્ટ સભ્યો છે. રુફકોનની છેલ્લી ત્રણ એડિશન મુંબઈ, કોચી અને ચંદીગઢમાં યોજાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.