નડિયાદમાં મૃતક રોમાબેનના પરિવારજનોને રાજય સરકાર વતી રૂ.ચાર લાખની મૃત્યુ સહાય અપાઇ
નડિયાદ, નડિયાદમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે પીજ રોડ પર રાજીવનગરમાં રહેતા રાજુભાઇ ટપુભાઇ દેવીપુજકની દિકરી રોમાબેન રાજુભાઇ દેવીપુજક, ઉ.વ.૧૧ નું ગરનાળામાં પાણીમાં ડુબી જવાથી મરણ થયું હતું. રાજુભાઇની દિકરીનું મૃત્યુ થતાં તેમના પરિવારમાં અણધારી આફત આવી પડી હતી. સંવેદનશીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં જ મૃતકના પરિવારજનોને સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ (એસ.ડી.આર.એફ) માંથી તાત્કાલિક રૂ.ચાર લાખની સહાય મંજૂર કરી પ્રશાસનિક સંવેદના દાખવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ શોકાતુર મૃતકના ઘરે જઇ મૃતકના પિતા રાજુભાઇ દેવીપુજકને રાજય સરકાર વતી રૂ.ચાર લાખનો મૃત્યુ સહાયનો ચેક અર્પણ કર્યો હતો. પંકજભાઇ દેસાઇએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવતા જણાવ્યું કે, રાજુભાઇના પરિવારમાં આવેલ આફતના આ સમયમાં રાજય સરકાર સહિત જિલ્લા પ્રશાસન તેમની પડખે છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, શહેર મામલતદાર પ્રકાશભાઇ ખ્રિસ્તી, વિસ્તારના નગર સેવકો હાજર રહયા હતા.