નડિયાદ ખાતે ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓએ બેલેટ પત્રોથી મતદાન કર્યું
ખેડા જિલ્લામાં પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયનોની ચૂંટણી આગામી તા .૨૮ / ૦૨ / ૨૦૧૧ ના રોજ યોજાનાર છે . આ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કમર્ચારીઓ તેઓના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ આવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે બેલેટ પત્રો દ્વારા મતદાનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો .
જે અન્વયે નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી કામે રોકાયેલ અધિકારીઓ / કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા ઇષ્કોવાળા હોલ , પારસ સર્કલ , નડિયાદ ખાતે આજરોજ સવારે ૮ કલાકે શરૂ થયું હતું . જેમાં જિલ્લાના ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા નડિયાદ નગરપાલિકાના તમામ વોર્ડના આશરે ૬૦૦ જેટલા કર્મચારીઓ આજે પોતાનો પવિત્ર મત આપશે તેમ નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્યું હતું . સાંજ ના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા શરૂ રહેશે તેમ ઉમેર્યું હતું .
ચૂંટણી સ્થળે સેનેટાઈઝર , ટેમ્પરેચરની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું . ચુંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો . આ પ્રસંગે નાયબ કલેકટર અવંતિકાબેન દરજી , મામલતદાર પી.ક્રિસ્ટ્રી , ચીફ ઓફિસર પ્રણવ પારેખ તથા ચુંટણી કામગીરી સાથે સંકળાયેલો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો . (તસવીર સાજીદ સૈયદ નડીયાદ)