નડિયાદ નજીક અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી હાઈડ્રોલીક એસીડ લીક થતા અફડા તફડી મચી
ચાર કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે પરિસ્થિતિ થાળી પાડી
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નજીક ગતમોડી રાત્રે નેશનલ હાઈવે પર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એકાએક હાઈવે પર હાઈડ્રોલીક એસીડ લીક થવાની ઘટના બની હતી. જેના કારણે નેશનલ હાઈવે પરનો ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરાયો હતો. જોકે ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થતાં તાત્કાલિક ફાયરફાયટર જવાનોએ બનાવ સ્થળે દોડી સ્થિતિને સંભાળી છે અને મોટી દૂર્ઘટના થતી ટળી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ પાસેના ડભાણ ગામ પાસેથી નેશનલ હાઇવે નંબર ૪૮ પસાર થાય છે. રવિવારની મોડી રાત્રે અહીંયા બ્રીજના છેડે એક ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી લીક થયાનો કોલ નડિયાદ ફાયરબ્રિગેડની ટીમને મળ્યો હતો. જેના આધારે ફાયર બ્રિગેડની ટીમ બે વોટર બ્રાઉઝર લઈને બનાવ સ્થળે દોડી આવતા રોડની સાઈડમાં ટેન્કર ઊભી હતી અને આ ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી સતત લીક થતું હતુ.
જેથી ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને આ સ્થિતિને સંભાળી હતી. બીજી તરફ ટેન્કરના ચાલકનો કોઈ અતોપતો ન હોય અને ટેન્કરની પાછળની બાજુએ કોઈ વાહને અકસ્માત કરેલા હોવાથી આ લીક થયા હોવાનું નડિયાદ ફાયરબ્રિગેડને માલુમ પડ્યું હતું.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ટેન્કર પર સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ ઍસિડને ડામ્યુ હતું.
સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ આ બાબતે કહ્યું કે, અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે વાહન ચાલકનું કોઈ અતોપતો નહોતો. ટેન્કરના કેબીનમાંથી બ્લીટી મળતા આ જ્વલનશીલ પ્રવાહી હાઈડ્રોલીક એસીડ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા તુરંત સ્થાનિક પોલીસ અને હાઈવેની પેટ્રોલીંગ ટીમ આવી પહોંચી હતી. અમારી કામગીરી ચાલતી હતી ત્યારે થોડા સમય માટે હાઇવે પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન અપાયું હતું.