નડિયાદ પાલિકાની હદમાંથી મોટા હોર્ડિગ્સ ઉતારવા, ફાયર સેફટીની ચકાસણી કરવા આદેશ
(પ્રતિનિધિ) નડિયાદ, સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવનાર રાજકોટ ગેમઝોનની કરુણાંન્તિકાના પગલે પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના આદેશો જારી કરાયા છે ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પણ નડિયાદ પાલિકાના શોપિંગમોલ, થિયેટર ,મોટા કોમ્પ્લેક્સ અને જાહેર સ્થળોએ જયાં પ્રજાજનોની સુરક્ષાના હેતુસર ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવા, સુવિધાઓ ના હોય
તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા શહેરમાં લાગેલા ગેરકાયદે ર્હોડિંગ્સ સર્વે કરી ઉતારવા કલેકટર અને ચીફ ઓફિસરને સૂચન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો જોઈએ તો નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદના ચીફ ઓફિસર અને કલેકટરને લેખિતમાં સૂચન કરાયું છે કે,
નગરપાલિકા વિસ્તારમાં સરકારી અને ખાનગી જગ્યા ઉપર જાહેરાતના મોટા હોલ્ડિંગ્સ લાગેલા છે.જે પ્રજાજનોને વાવાઝોડા કે અન્ય કારણોસર નુકસાન પહોંચાડી શકે તેમ છે. તો તેની મંજૂરી લીધેલ છે કે કેમ? મંજૂરી વિનાના તમામ ર્હોડિંગ્સને સર્વે કરીને તાત્કાલિક ઉતારી લેવા સૂચન કરાયું છે.
સાથે સાથે નડિયાદ શહેરના શોપિંગ મોલ, થિયેટર, જાહેર નાના- મોટા કોમ્પ્લેક્સ અને જાહેર સ્થળો કે જ્યાં પ્રજાજનોની અવરજવર વધુ રહે છે તેવા સ્થળોએ ફાયર સેફટીની સુવિધા છે કે કેમ??
તથા પ્રજાજનોની સુરક્ષાના હેતુના માપદંડ મુજબ તેની યોગ્ય ચકાસણી કરી અને જાહેર સ્થળોએ સૌની સુરક્ષા માટે સરકારી ધારાધોરણ મુજબ યોગ્ય વ્યવસ્થાઓ ઉભી કરવા અને તે માટે જો મંજૂરી કે વ્યવસ્થા ન હોય તો કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવા પંકજભાઈ દેસાઈ એ ચીફ ઓફિસર અને કલેકટરને લેખિતમાં સૂચન કર્યું છે જેના પગલે પગલે નડિયાદનું તંત્ર હવે દોડતું થઈ ગયું છે.