નડિયાદ સિટીના બે જુદા જુદા સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપાયો

પ્રતિકાત્મક
નડિયાદ, નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. નડિયાદ શહેરમાં બે જુદા જુદા સ્થળોએથી દારૂના જથ્થા સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
નડિયાદ ટાઉન પોલીસે ડાકોર રોડ પરની સ્કૂલ પાસેથી પસાર થતી કારને અટકાવી હતી. કારમાં દારૂ છુપાયો હોવાની હાજર પોલીસ કર્મીને ગંધ આવતાં કાર ચાલક ઉમેદસિંહ તેજસિંહ સાકોરદીયાને ઉતારી કારની તલાશી લીધી હતી.
દરમિયાન કારમાંથી ૪ પુંઠાના બોક્સમાંથી અને કારની ડેકીમાંથી રૂપિયા ૯૩ હજાર ૬૦૦નો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂપિયા ૪ લાખ ૪૩ હજાર ૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને નડિયાદ કોને ડીલીવર કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવની વાત કરીએ તો નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસોએ નડિયાદ શહેરના મહાગુજરાત સર્કલ પાસેથી બે લોકોને બિયર ટીન સાથે ઝડપી લીધા હતા. જેમાં ઓમકેશ સદાશિવ મરાઠી અને સદાનંદ અશોક શર્માનો સમાવેશ થાય છે.
પોલીસે આ બંન્ને ઈસમો પાસેથી બીયર ટીન નંગ ૪૮ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૮ હજાર ૯૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંન્ને આરોપીઓ સદાનંદ શર્મા અને ઓમકેશ મરાઠી રેલવે એસી કોચમાં એટેન્ડન્ટ તરીકેની હંગામી ફરજ બજાવે છે અને રેલવે મારફતે પોતાની બેગમાં મુંબઈથી બિયરટીન લાવી નડિયાદ વેચાણ કરતાં હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.HS