Western Times News

Gujarati News

નડિયાદ હિન્દુ અનાથ આશ્રમ ખાતે આંતરરાષ્‍ટ્રીય બાળ દિનની ઉજવણી

નડિયાદ:ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર, ગુજરાત સ્‍ટેટ ચાઇલ્‍ડ પ્રોટેકશન સોસાયટી અને શિક્ષણ વિભાગ, જિલ્‍લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્‍લા બાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે નડિયાદ હિન્‍દુ અનાથ આશ્રમ ખાતે આંતરરાષ્‍ટ્રીય બાળ  દિનની ઉજવણી જિલ્‍લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

કલેકટર ગાર્ગી જૈને જણાવ્‍યું કે, સમાજમાં બાળકોનું સ્‍થાન વિશિષ્‍ટ અને આવનારા ભવિષ્‍યના સુદ્રઢ પાયા માટે ખૂબ જ અગત્‍યનું છે. બાળકોનું મન નાનપણમાં કોળી પાટી જેવું હોય છે. તેથી તેના માતા-પિતા, તેના કુટુંબીજનો અને પછી શાળા-સમાજના વાણી, વર્તન અને વ્‍યવહારની અસર તેમના મનમાં નાનપણથી જ ઘર કરી જાય છે. તેથી અમુક ઉંમર સુધી બાળકોના ઉછેર માટે ખાસ તકેદારી રાખવી પડે છે. બાળકોના કુમળા મન પર સારી અસરો પડે તે રીતે સમાજે તેમની સાથે વર્તવું પડે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ચાઇલ્‍ડ વેલફેર કમિટિના ચેરમેન શ્રી રાકેશભાઇ રાવે જણાવ્‍યું હતું કે, બાળકોના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર કટીબધ્ધ છે. આપણા કુટુંબ સમાજ અને રાષ્‍ટ્રનો વિકાસ કુમળી અને નવી પેઢી એવા બાળકોની તંદુરસ્‍તી અને સુખાકારી પર આધારીત છે.

બાળકોના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ રાજય સરકાર બાળકના જન્‍મ પહેલાં અને જન્‍મ બાદ તેના સ્‍વાસ્‍થ્‍ય, શિક્ષણ અને ઉછેર માટે કાળજી લઇને માતા અને પિતાતુલ્‍ય ભૂમિકા ભજવી રહી છે.

જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી દિવ્‍ય મિશ્રએ મહિલાઓ અને બાળકોના અધિકારો અને તેના રક્ષણ માટે જિલ્‍લા પોલીસ તંત્ર સતત જાગૃત છે, બાળ અધિકારોનો ભંગ થતો હોય પોલીસને જાણ કરવા તેમણે જણાવ્‍યું હતું.

હિન્‍દુ અનાથ આશ્રમના પ્રમુખ અને પૂર્વ કેન્‍દ્રિય મંત્રીશ્રી દિનશા પટેલે જણાવ્‍યું હતું કે, હિન્‍દુ અનાથ આશ્રમમાં કોઇપણ નાતજાતના ભેદભાવ વગર બાળકના સર્વાગી વિકાસને જ પ્રાધાન્‍ય આપવામાં આવે છે. આ સંસ્‍થા ૧૧ વર્ષ જૂની છે, તેની સ્‍થાપના સને ૧૯૦૮માં થઇ હતી અને અહિયાથી ‘‘અનાથોનો આશ્રય એટલે હિન્‍દુ અનાથ આશ્રમ‘‘નો વિચાર સ્‍ફૂર્યો હતો. આઝાદીની ચળવળનો વિચાર પણ અહિ થી જ સ્‍ફૂર્યો  હતો.

સમાજમાં નાનકડુ બાળક આપણ વર્તન અને વ્‍યવહારનુ અનુસરણ અને અનુકરણ કરતું હોવાથી પરિવારના સદસ્‍યો, શાળાના શિક્ષકો અને બાળકના સંપર્કમાં આવતા સમાજના વ્‍યકિતઓએ બાળકના મગજમાં સમાજ પ્રત્‍યે ધ્રુણા ઉપજે તેવા વાણી, વર્તન અને વ્‍યવહારમાં ખાસ કાળજી રાખવી જોઇએ. આ સંસ્‍થામાં અત્‍યાર સુધીમાં ૬૦૦ થી વધુ બાળકોને આશ્રય આપી પગભર કરેલ છે તેમજ ૬૦૦થી વધુ કન્‍યાઓના વિવાહ પણ સારી રીતે સંપન્ન કરવામા આવ્‍યા છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્‍તે બાળકોને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંતર રાષ્‍ટ્રીય બાળ દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલ નિબંધ સ્‍પર્ધા તેમજ રમત સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. સાંસ્‍કૃતિક અને હાસ્‍યનો કાર્યક્રમનો પણ બાળકોએ માણ્યો હતો.

જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભરવાડે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જયારે શ્રી મહેશ પટેલે આભાર વ્‍યકત કર્યો હતો.  આ કાર્યક્રમમાં જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી એલ.કે.ત્રિવેદી, સીનીયર સિવિલ જજશ્રી મોકાનીમેડમ, અધિક કલેટકરશ્રી રમેશ મેરજા, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, નાયબ જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી ડાભી, માતૃછાયા સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ, હિન્‍દુ અનાથ આશ્રમના કાર્યકર્તાઓ, જુવેનાઇલ જસ્‍ટીસ એકટ અન્‍વયે નોંધાયેલ ત્રણેય સંસ્‍થાના સદસ્‍યો, સંલગ્‍ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્‍યામાં બાળકો ઉપસ્‍થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.