નદીની વચ્ચે આવેલા મંદિરમાં શિવજી પર સ્વયંભૂ અભિષેક
રાજકોટ: રાજકોટવાસીઓના શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક એટલે કે સ્વયંભૂ રામનાથ મહાદેવ. રાજકોટનું આ રામનાથ મંદિર અંદાજીત ૪૦૦થી ૫૦૦ વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. રામનાથ મહાદેવનું મંદિર સ્વયંભૂ છે અને રાજાશાહી વખતથી આ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. રામનાથનું મંદિર આજી નદીની વચ્ચોવચ આવેલું છે. જેથી જ્યારે પણ નદીમાં પાણી આવતા હોય છે ત્યારે જાણે કે સ્વયંભૂ રીતે ભગવાન શિવજી પર જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો સર્જાતાં હોય છે અને જ્યારે પણ આજી નદીમાં એકદમ વધારે પાણી આવી જતું હોય છે.
ત્યારે શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થઇ જવાના દ્રશ્યો પણ વર્ષોથી રાજકોટવાસીઓ જોતા આવ્યા છે. પરંતુ ગઈકાલની રાત કંઈક અલગ જ રાત હતી. ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નાના-મોટા નદીના તેમજ ખોખડદળી નદી અને આજી ડેમનું પાણી આજી નદીમાં આવી ચુક્યું હતું અને તેને કારણે આજી નદીમાં જાણે કે પૂર જેવી સ્થિતિ હોય તેવી રીતે પાણીનું વહેણ સીધું રાજકોટ શહેરમાંથી પસાર થતી નદીમાંથી પસાર થયું હતું. પાણીના પ્રવાહને કારણે મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
આ વિસ્તાર મોટેભાગે ગરીબ અને સ્લમ વિસ્તાર છે. જેથી ત્યાં કાચા-પાકા મકાનો પણ આવેલો છે. આ લોકો વર્ષોથી રામનાથ મંદિરની આસપાસ જ વસવાટ કરે છે. વર્ષ ૨૦૦૭માં પણ આ જ રીતે થોડા સમય માટે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોએ પોતાનું ઘર છોડીને ચાલ્યો જવું પડ્યું હતું. ત્યાર બાદ ગઈકાલે રાત્રે આ જ પરિસ્થિતિ રામનાથ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. આજી નદીમાં પાણીનો પ્રવાહ એટલી હદે આવ્યો કે મંદિરમાં થઈ રહેલા બાંધકામના એક સ્લેબ સુધી પાણી પસાર થતું હતું.
રાજકોટવાસીઓની આસ્થા સમાન આ મંદિરમાં ભલે અત્યારે પાણી ઓસરવા લાગ્યા હોય પરંતુ કોઇપણ વિકટ પરિસ્થિતિમાં રાજકોટવાસીઓ પોતાના નિત્યક્રમ મુજબ દર્શન કરવા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા આવે જ છે અને રામનાથ મહાદેવ રાજકોટવાસીઓને હરહંમેશ રક્ષા પણ કરે છે.