નદીમની હત્યાના આરોપીને ત્યાંથી ૪ પિસ્તોલ અને ૫૧૬ કાર્ટિઝ જપ્ત
અમદાવાદ, જુહાપુરાના મોઇન પાર્ક સામે સમાં સોસાયટીમાં ક્રાઈમબ્રાન્ચે ગુરુવારે આરટીઆઇ એક્ટિવીસ્ટ નદીમ સૈયદની હત્યાના આરોપી લાલાના ઘરે રેડ કરી હતી. પોલીસે બાતમી આધારે રેડ કરી આરોપીના ત્યાંથી ૪ પિસ્ટલ અને ૫૧૬ કાર્ટીઝ કબ્જે લીધા હતા.
લાલાએ જુહાપુરાના અન્ય બે આરોપીઓને પિસ્ટલ વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે આ બન્ને આરોપી પાસેથી બીજી બે પિસ્ટલ અને ૧૦ કાર્ટીઝ ઝબ્બે કરી હતી.
ક્રાઈમબ્રાન્ચે કુલ ૬ પિસ્ટલ અને ૫૨૬ કાર્ટીઝ જમા લીધા હતા. પોલીસ તપાસમાં આરોપી મોહમદ સાજીદ ઉર્ફ લાલા અસલમ શેખે કબૂલાત કરી હતી કે, પોતે હત્યા, દુષપ્રેરણ અને હથિયારોના કેસમાં પકડાયો હતો. આ હથિયારો તે મધ્યપ્રદેશ ભોપાલના ફરીદ દિલાવર અજમેરી અને હૈદર પઠાણ પાસેથી લાવ્યો હતો.
આ હથિયારોમાંથી બે હથિયાર પોતે જુહાપુરાના મોહમદ મહેબૂબ ઉર્ફ આરીફ ગુલામ હૈદર શેખ અને મોહમદ ઇદરીશ ઉર્ફ ઈદુ અબ્દુલ હમીદ શેખને એક એક પિસ્ટલ આપી હતી. સાબરમતી જેલમાં પોતે હતો તે સમયે રાજકોટ અને બોટાદના આરોપીઓ સાથે સંપર્ક થયો હતો.
બાકીના હથિયારો આ કેદીઓને પહોંચાડવાના હતા. ક્રાઈમબ્રાન્ચે લાલાની કબૂલાત આધારે જુહાપુરાના મો.મહેબૂબ ઉર્ફ આરીફ અને મો.ઇદરીશ ઉર્ફ ઈદુની તપાસ કરી વધુ બે દેશી પિસ્ટલ અને ૧૦ કાર્ટીઝ કબ્જે લીધા હતા. પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.ક્રાઇમ બ્રાન્ચે વિશાલા પાસે મેટ્રો બ્રિજ નીચેથી દેશી તમંચા સાથે શૈલેષ વસંત પરમારને ઝડપી લીધો હતો.
આરોપી ગોતા વસંતનગર ખાતે રહેતો હોવાનું હથિયાર વેચવા માટે અથવા સગેવગે કરવાની પેરવીમાં ફરી રહ્યો હતો. દરમિયાન પોલીસના હાથે બાતમી આધારે ઝડપાઇ ગયો હતો.SS2MS