‘નમામિ સાબરમતી’ અભિયાનનો પ્રારંભ
સ્વચ્છ સાબરમતી મહા અભિયાન હેતુસર નદીને સ્વચ્છ કરાશે
|
અમદાવાદ 06062019: ઉત્તરપ્રદેશમાં જે રીતે નમામિ ગંગે યોજના શરૂ કરવામાં આવી છે તે રીતે હવે નમામિ સાબરમતી અભિયાનની શરૂઆત થઈ ચુકી છે. સ્વચ્છ સાબરમતી અભિયાનની આજે વિધિવત રીતે શરૂઆત થઈ હતી. નદીમાં પડનાર દુષિત પાણીને બંધ કરવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરાસતને આગળ વધારીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહાનગર પાલિકા સાબરમતી નદીને સંપૂર્ણ પણે સ્વચ્છ કરવા જઈ રહી છે. પર્યાવરણ દિવસના પ્રસંગે જ આની શરૂઆત કરવામાં આવી છે. આજે પર્યાવરણ દિવસે દસ હજારથી પણ વધુ લોકોએ નદીમાં ઉતરીને મહાઅભિયાનને ગતિ આપી હતી.
શહેરમાં પ્રતિદિન પડતા આશરે ૧૮ કરોડ લીટર અનટ્રીટેડ પાણીને બંધ કરવામાં આવ્યું છે. નદીમાં હવે માત્ર ટ્રીટ કરવામાં આવેલુ પાણી છોડવામાં આવશે. ગાંધી જયંતી સુધી નદીને સંપૂર્ણ પણે સ્વચ્છ કરવાની યોજના છે.
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટના બંન્ને કિનારાઓની લંબાઈ ૨૩.૫૦ કિલોમીટરની છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિતના અનેક અધિકારીઓ અને દસ હજારથી વધારે લોકો દ્વારા સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારે ૮-૦૦ વાગ્યે ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીને સ્વચ્છ અને નયનરમ્ય બનાવીને આપણે ઇતિહાસ રચીશું. આજના અભિયાન દરમ્યાન મુખ્યમંત્રી રૂપાણીએ એક તબક્કે હાથમાં ગ્લોવ્ઝ(મોજા) પહેર્યાં વિના જ સાબરમતી નદીમાંથી કચરો પણ વીણ્યો હતો.
જો કે આ દરમિયાન કોર્પોરેશનના કોઈ અધિકારીએ તેમને ગ્લોવ્ઝ પહેરવા માટે સૂચન પણ કર્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સફાઈ અભિયાન દરમિયાન ગ્લોવ્ઝમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન આજના વિશ્વ પર્યાવરણ દિવસની પણ સૌકોઇને શુભકામના પાઠવી અને વૃક્ષઉછેર અને તેની જાળવણીની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીમાં ગટરનું ટ્રીટમેન્ટ થયેલું પાણી જવા દેવાશે પરંતુ હવે ટ્રીટમેન્ટ વિનાનું, ગંદુ કે કેમીકલયુકત પાણી સાબરમતી નદીમાં છોડી શકાશે નહી.
આજે વિશ્વભરમાં પર્યાવરણને લઈને ચિંતા છે. આજના સાબરમતી સફાઈ અભિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરમતી નદીમાં પત્ની અંજલિબેન રૂપાણી સાથે સફાઈ કરી હતી. તો રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાંસદ ડો.કિરીટ સોલંકી, ગૌભકત ચૈતન્ય શંભુ મહારાજ સહિતના અનેક આગેવાનો, રાજકીય મહાનુભાવો અને હજારો નાગરિકો પણ સફાઇ અભિયાનમાં જાડાયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં પશ્ચિમ બાજુ ટોરેન્ટ પાવરથી વાસણા બેરેજ તથા પૂર્વમાં ડફનાળાથી વાસણા બેરેજ સુધીના બંને તરફના વિસ્તારની લોકભાગીદારીથી સફાઇ કરાશે.