નમ્રતા..સ્વભાવનું એક આભૂષણ
નમ્રતા માનવ સ્વભાવનું એક અલંકાર ગણાય છે. અનેક ગુણોયુક્ત એવી નમ્રતા વ્યવહારમાં રાખનાર વ્યક્તિને લોકો માનની નજરે જાેતાં હોય છે. વિવેક, શાલીનતા, શિષ્ટતા અને સંયમ, સુશીલતા, લજ્જા, નિરાભિમાનીનું સંયોજન નમ્રતા રૂપી ગુણનો અરીસો બનેલો છે. આવી નમ્રતા લોકોનાં દિલ જીતી લે છે. આ ગુણવાળા વ્યક્તિ વર્તન કે કાર્યશૈલી કે દેખાવામાં દીપી ઉઠે છે. જે માનવીમાં અહમ્ વસેલો છે તે કદી નમ્ર બની શકતો નથી. એ અહમ્ પોષનાર માનવી કદી નમતો નથી પરંતુ પોતે જ સાચો છે તથા પોતાનું ધાર્યું જ બીજા પાસે કરાવે છે.
ખાનદાન પરિવારમાં નમ્રતા નામનો ગુણ દરેક સભ્યોમાં વસેલો હોય છે. નાત-જાત કે અડોશ-પડોશમાં લોકો તે પરિવાર સાથે સંબંધ રાખવા ઈચ્છતા હોય છે જેથી તેઓની પોતાની ઈજ્જતમાં વધારો થાય છે.
‘જે નમે એ લોકોને ગમે’ આ લોકાકિતને અનુરૂપ માનવીને બધેથી સહકાર મળતો હોય છે તથા લોકો નમ્ર સ્વભાવ ધરાવનાર વ્યક્તિ પર વિશ્વાસ મૂકતા અચકાતા નથી. જે વેપારી વ્યવહારમાં વિવેકી અને નિરાભિમાની હશે તેના વેપારમાં બરકત વધશે. લોકો એ વેપારી પર ભરોસો મૂકીને ધંધાકિય વ્યવહાર વધારવામાં અચકાશે નહિ.
પોતાની દીકરીને પરણાવનાર મા-બાપ પહેલાં ઘર – વર તથા ઈજ્જત અને ખાનદાની જાેશે. જાે સામેવાળી વ્યક્તિ નમ્ર સ્વભાવની હશે તો દીકરીનાં મા-બાપ તે ઘરમાં પોતાની દીકરીને આપતા વિચાર સુધ્ધાં નહિ કરે. નમ્ર સ્વભાવવાળી વ્યક્તિ ઝગડા, વાદ-વિવાદ તથા ખોટી ચર્ચામાં ઉતરવામાં માનતી ન હોવાથી તથા પોતાનું દિલ નિખાલસ હોવાથી લોકોમાં માનીતી બની જાય છે.
નકલી નમ્રતા દાખવનાર વ્યક્તિ અંદરથી કપટી હોય છે જે વખત જતાં લોકોને ખબર પડતાં અપ્રિય બની જાય છે. આ એક જાતની નરી બનાવટ થોડાં વખત માટે ચાલે છે. પરંતુ પોતાની પોલ ખુલ્લી પડી જતાં તે ક્ષોભ પામે છે. અમુક માનવી આડંબર કરી પોતે નમ્ર છે તેમ સમાજમાં દેખાડો કરતાં હોય છે. પરંતુ ધીરે ધીરે તેનું પોત પ્રકાશ્યા વગર રહેતું નથી.
જે વ્યક્તિમાં ઉધ્ધતાઈ હોય તે માનવી લોકનજરમાંથી નીચે ઉતરી જાય છે પરંતુ જાે વ્યક્તિ નમ્ર હશે તો લોકોને તેનામાં તથા તેના વ્યવહારમાં વિશ્વાસ રહેશે. નમ્ર સ્વભાવ ધરાવનાર વ્યક્તિ પોતાનું કામ સરળતાથી કરી શકે છે અને લોકોનો સહકાર પણ તેને મળતો રહે છે. ઉદ્ધતાઈ બતાવનાર વ્યક્તિની કિંમત કોડીની પણ રહેતી નથી પછી ભલેને તે કરોડપતિ હોય પરંતુ તે પોતાના ઉદ્ધત સ્વભાવથી માર ખાઈ જાય છે.
કહે શ્રેણુ આજ
ઉગ્રતા ન બતાવતા, માનવીએ નમ્રતાથી કામ કરતા કે બીજા કામ પાસેથી લેતા આવડવું જાેઈએ.