નરેન્દ્ર મોદીએ જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી
વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથ’ના 19 ભાષામાં અનુવાદિત સંસ્કરણનું પણ વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘શ્રી સિદ્ધાંત શિખામણી’ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ એક યોગાનુયોગ છે કે, અહીં શતાબ્દી મહોત્સવ નવા દસકાના આરંભે ઉજવાઇ રહ્યો છે અને આ નવો દસકો 21મી સદીની દુનિયામાં ભારતની ભૂમિકા ફરી એકવાર સ્થાપિત કરશે.
તેમણે જણાવ્યું હતું કે, શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથનું મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટાઇઝેશન કરવાથી યુવા પેઢી સાથેનું જોડાણ વધુ મજબૂત થશે અને તેનાથી તેમને જીવનમાં પ્રેરણા મળશે. તેમણે મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ગ્રંથ આધારિત વિષયો પર વાર્ષિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 19 ભાષામાં ગ્રંથનો અનુવાદ કરવાથી તેને વ્યાપક જનસમુદાય સુધી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “એક નાગરિક તરીકે આપણું આચરણ ભારતનું ભાવિ નિર્ધારિત કરશે, તેનાથી ન્યૂ ઇન્ડિયાની દિશા નક્કી થશે.” તેમણે ઉમેર્યું હતું કે, સંતોએ ચીંધેલા માર્ગનું પાલન કરીને આપણે આપણાં જીવનની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની છે અને રાષ્ટ્રના નિર્માણમાં સંપૂર્ણ સહકાર યથાવત્ રાખવાનો છે. તેમણે સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ઉભી કરવા માટે યોગદાન આપવા બદલ તેમજ દેશના દરેક ખૂણા સુધી સ્વચ્છતા મિશન હાથ ધરવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. તેમણે સૌને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે જળ જીવન મિશનમાં પણ સહભાગી થવા માટે સૌને અપીલ કરી હતી જેથી આ મિશન સફળ થઇ શકે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગંગા નદીની સફાઇમાં નોંધપાત્ર પ્રમાણમાં અને દેખીતો સુધારો થયો છે; તેમણે કહ્યું કે, માત્ર લોક ભાગીદારીના કારણે જ આ લક્ષ્ય હાંસલ કરી શકાયું છે. તેમણે કહ્યું કે, નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 7000 કરોડની કિંમતની પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે જ્યારે રૂપિયા 21000 કરોડની કિંમતની પરિયોજનાઓ પર હાલમાં કામ ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રામ મંદિરનું નિર્માણ કરવા માટે તાજેતરમાં ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ સંબંધિત તમામ બાબતોનું ધ્યાન રાખશે. તેમણે કહ્યું કે, સરકારે 67 એકર જમીન ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય પણ લીધો છે.