નરેન્દ્ર મોદીના અયોધ્યા પ્રવાસનો રોડમેપ તૈયાર
નવીદિલ્હી, અયોધ્યામાં ૫ ઓગસ્ટના રોજ થવા જનારા રામ મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અયોધ્યા પ્રવાસનો રોડમેપ પણ તૈયાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા બાદ સૌથી પહેલા હનુમાનગઢી મંદિર જશે. હનુમાનજીના દર્શન કરશે. એવું કહેવાય છે કે અયોધ્યામાં રામલલાને મળવા જતા પહેલા હનુમાનજીની મંજૂરી જરૂરી હોય છે. હનુમાનગઢી બાદ પ્રધાનમંત્રી સીધા રામજન્મ ભૂમિ પરિસર જશે અને ત્યાં રામલલાના દર્શન કરશે. રામલલાના દર્શન કર્યા બાદ રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે.
પીએમ રામલલાના ગર્ભગૃહના સ્થાન પર ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ પીએમ મોદીનું સંબોધન પણ થશે. કહેવાય છે કે ભૂમિ પૂજન બાદ પીએમ મોદી રામ મંદિર નિર્માણ પર ઐતિહાસિક ભાષણ આપશે. આ સાથે જ પીએમ રામ જન્મભૂમિ પરિસરથી અયોધ્યાના વિકાસની અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. કહેવાય છે કે શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી રામ જન્મભૂમિ પરિસરમાં થોડો સમય વિતાવશે. આ દરમિયાન તેઓ કેટલાક પ્રમુખ સાધુ સંતોની પણ મુલાકાત કરશે.