નરેશ પટેલને લઈને પાટીદાર સમાજમાં વિરોધના સૂર
રાજકોટ, વીંછિયાના સનાળી ગામના રહેવાસી અને જસદણ-વીંછિયા પંથકના કડવા પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ ફતેપરાએ ઊંઝા, સિદસર અને ગાંઠીલા ઉમિયાધામના પ્રમુખને એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, બેધારી નીતિવાળા ખોડલધામના નરેશ પટેલને આ ત્રણેય મંદિરમાં પ્રવેશ ન આપવો.
પટેલ સમાજના આગેવાનો એક મંચ ઉપર આવવાથી અને પાટીદાર સમાજની એકતાથી ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજના ૧ મુખ્યમંત્રી અને ૭ મંત્રીઓને ગુજરાત સરકારમાં સ્થાન આપ્યું છે. પરંતુ મુખ્યમંત્રી કડવા પાટીદાર સમાજના હોવાના કારણે નરેશ પટેલ નિવેદન કરતા હોય છે કે લેઉવા પટેલ સમાજના ધારાસભ્યોને મુખ્ય ખાતાઓ ફાળવવામાં આવ્યા નથી.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, એક બાજુ કડવા અને લેઉવા પટેલ સમાજની મિટિંગમાં આગેવાનોની હાજરીમાં નરેશ પટેલ એવું કહે છે કે, હવેથી લેઉવા અને કડવા નહીં પણ પાટીદાર સમાજના છીએ તેવી વાતો કરે છે અને પાછળથી નરેશ પટેલ જ એમ કહે છે કે લેઉવા પટેલ સમાજને મંત્રીમંડળમાં મુખ્ય ખાતા ફાળવવામાં આવ્યા નથી.
જાે હજુ લેઉવા અને કડવાનો વિવાદ ઊભો રાખવાનો હોય તો નરેશ પટેલે પાટીદાર સમાજ નહીં પણ લેઉવા પાટીદાર સમાજ બોલવું પડશે અને પાટીદાર સમાજની એકતા ભૂલી જવી પડશે. જ્યાં સુધી નરેશ પટેલમાં પાટીદારવાદ અને રાષ્ટ્રવાદ નહીં જાગે ત્યાં સુધી આવું જ ચાલ્યા કરશે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કડવા પટેલ સમાજની ઉમિયા માતાજીની સંસ્થા ઊંઝા, સિદસર અને ગાંઠીલાની સંસ્થાઓમાં ક્યારેય રાજકારણને કોઈ દિવસ સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે નરેશ પટેલ ખુલ્લેઆમ ખોડલધામ કાગવડને રાજકીય અખાડો બનાવવા તરફ જઈ રહ્યા છે. નરેશ પટેલ કડવા પટેલોને હળાહળ નફરત કરે છે તેવા અનેક દાખલાઓ અગાઉના વર્ષોમાં સૌરાષ્ટ્રમાં જાેવા મળ્યા છે.
વધુમાં જણાવ્યું છે કે, સિદસર, ઊંઝા, ગાંઠિલા અને ખોડલધામ મંદિરના આગેવાનોની મિટિંગમાં પાટીદાર સમાજની એકતા બતાવવાની વાતો કરીને નરેશ પટેલ લેઉવા પટેલ સમાજના અન્યાય અંગે ગાણા ગાતા હોય છે, જેની કડવા પટેલ સમાજના આગેવાનોએ નરેશ પટેલની નોંધ લેવાની પણ જરૂર નથી અને લેવી પણ નહી.
સૌરાષ્ટ્રનો કડવા પટેલ સમાજ ભૂતકાળમાં ખૂબ જ છેતરાયો છે, આપણો સમાજ ખમીરવંતો છે. સમાજમાં ભાગલા પાડવાની નરેશ પટેલની માનસિકતા ધરાવતો સંકુચિત માનસથી પીડાતા નરેશની નોંધ પણ લેવી ના જાેઈએ.SSS